

પૂણે : વિરાટ કોહલીની (Virat Kohli) આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ (Team India)દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 137 રને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઘરઆંગણે ભારતનો આ સતત 11મો શ્રેણી વિજય છે. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાનો વર્ષો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.


ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના નામે બે વખત ઘરઆંગણે સતત 10-10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ હતો. ઓસ્ટ્રેલિયાએ 1994 થી 2001 દરમિયાન અને 2004થી 2008 દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.


ભારતના જીતની સફર 2013થી યથાવત્ છે. 2013થી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે 25 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં 19 મેચમાં વિજય થયો છે. એક મેચમાં પરાજય થયો છે અને પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા પછી આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સમાવેશ થાય છે. વેસ્ટ ઇન્ડીઝે પોતાના ઘરઆંગણે 1975 થી 1986 દરમિયાન સતત આઠ શ્રેણી પોતાના નામે કરી હતી.