

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરની નજીક પહોંચવા આવી ગઈ છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી ગઈ છે. પાણીની આવક 7.48 લાખ ક્યુસેક છે, અને હાલમાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 7.17 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા વગર વરસાદે નર્મદામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે ગોરા પુલ પર પાણી ફ્રી વળ્યાં છે. તો બીજી તરફ્ ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.


સતત પાણીની આવકના કારણે 24 કલાકમાં 1200 મેગાવોટના ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 27,504 મેગાવોટ અને 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા 4,580 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ત્યાંના ડેમો પણ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. જેના કારણે જે પાણી આવે છે, તે એમપીના ડેમોમાંથી છોડવામાં આવે છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક સતત વધતી રહે છે.


નર્મદા ડેમમાં સતત પાણીની આવકના પગલે નર્મદા નદી બે કાંઠે થઈ ગઈ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે 30.75 ફૂટે ભયજનક સપાટીએ પાણી વહી રહ્યું છે. વડોદરા, ભરૂચ, નર્મદાના 75 જેટલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


સરદાર સરોવર યોજના સિનિયર એન્જિનિયરો જણાવે છે કે, આગામી દિવસોમાં હજુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ઉપરવાસમાંથી આઠથી દસ લાખ ક્યૂસેક પાણીનો જથ્થો આવવાની શક્યતાઓ છે જો પાણીનો આવરો ચાલુ રહેશે તો આગામી એક-બે દિવસમાં જ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી એટલે કે 138.68 મીટર સુધી પહોંચી જશે. નર્મદા ડેમની આ સપાટી પહોંચતા જ ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાઈ જશે તેમજ પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સમસ્યાનો બે વર્ષ સુધી અંત પણ આવી જશે.