

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દિલ્હીએ કોરોના ચેપ તપાસવા માટે એક ટેસ્ટ કીટ તૈયાર કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કીટથી પરીક્ષણ કરવું સૌથી સસ્તુ હશે. હવે આઇસીએમઆરની લેબોરેટરીએ પણ આની પુષ્ટિ કરી છે અને તેને મંજૂરી પણ મળી ગઈ છે. મળતી માહિતી મુજબ આ તપાસ માત્ર સસ્તી જ નહીં પરંતુ સચોટ પરિણામો પણ આપશે.


આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર પ્રોફેસર રામ ગોપાલ રાવે કહ્યું કે આ કીટમાંથી એક પરીક્ષણનો ખર્ચ ફક્ત 300 રૂપિયા થશે અને તે અન્ય કોઈપણ કીટ કરતા ઝડપથી કામ કરશે. પ્રતિકાત્મક તસવીર


જો કે, પરીક્ષણની સમય મર્યાદા શું હશે તે હજુ સુધી કહેવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વિશે સંસ્થામાં વધુ સંશોધન થઈ રહ્યું છે, જે અમે ટૂંક સમયમાં જણાવીશું. દરમિયાન આઈઆઈટીના પ્રોફેસર વી પેરુમાલે કહ્યું કે અમે જાન્યુઆરીથી આ કીટ બનાવી રહ્યા છીએ અને ત્રણ મહિનામાં અમને તેને બનાવવામાં સફળતા મળી છે. આ પરીક્ષણ માટેની એક સસ્તી રીત હશે જે મોટી સંખ્યામાં કોરોના પરીક્ષણોને મંજૂરી આપશે.


આઈઆઈટી દિલ્હીની કુસુમા સ્કૂલ ઑફ બાયોલોજિકલ સાયન્સના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી છે. કિટને આઇસીએમઆરની મંજૂરી માટે IIT દિલ્હીએ આવેદન કર્યુ હતું જે મળી છે. નોંધનીય છે કે ભારતે પણ ચાઇનાથી ટેસ્ટ કીટ આયાત કરી હતી, પરંતુ તેની ગુણવત્તા અને પરિણામો સંબંધિત અનેક સમસ્યાઓ હતી.


આ ટેસ્ટ કીટ માટે આઈઆઈટી દિલ્હીએ પેટન્ટ પણ મેળવી લીધી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ એક ટેસ્ટ કીટમાંથી 30-50 જેટલા ટેસ્ટ થઈ શકશે.