

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર બેટ્સમેન શિખર ધવન અંગૂઠાની ઈજાના કારણે ત્રણ સપ્તાહ સુધી ટીમમાંથી બહાર થયો છે. આ પછી તેના સ્થાને અન્ય બેટ્સમેનનો સમાવેશ થાય તેવી અટકળો ચાલી રહી છે. ધવનના સ્થાને ટીમમાં સાત ખેલાડીઓમાંથી કોઈ એકની પસંદગી થાય તેવી સંભાવના છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ધવનનું સ્થાન લેવા માટે આ સાત ખેલાડીઓ રેસમાં છે.


આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રિષભ પંતે બધાને ચોંકાવ્યા હતા. વર્લ્ડ કપમાં તેની પસંદગી ન થતા રિકી પોન્ટિંગ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો આશ્ચર્યચકિત થયા હતા. હવે ફરી એક વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન ખાલી થયું છે તો માનવામાં આવે છે કે પંતને તક મળી શકે છે.


આઈપીએલ-2019માં રિષભ પંતની ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર પાસેથી પંતને ટક્કર મળી રહી છે. કારણ કે ટીમ ઇન્ડિયા પહેલા જ બે વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની અને દિનેશ કાર્તિક પસંદ થયા છે. જેથી ટોચના સ્થાને માટે ઐયરને સ્થાન મળે તેવી પણ સંભાવના છે.


શિખરના ગયા પછી અંબાતી રાયડુને લઈને પણ ચર્ચાઓ તેજ છે. રાયડુને મિડલ ઓર્ડરમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન માનવામાં આવે છે. તેણે ઘણી વખત ભારતીય ટીમને સંકટમાંથી ઉગારી છે.


ભારતીય ક્રિકેટ ટીમ માટે પહેલા રમી ચૂકેલા મનીષ પાંડેએ પણ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મનીષ પાંડે એક સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન છે. જે પ્રથમ નંબરથી લઈને સાતમાં નંબર સુધી શાનદાર બેટિંગ માટે પ્રખ્યાત છે.


પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શો એક ઓપનર બેટ્સમેન છે. બધા તેને ભારતનો ભવિષ્યનો ઓપનર બેટ્સમેન બતાવે છે. જો આવા સમયે ઓપનરના બદલે ઓપનર લાવવાની વાત થશે તો પૃથ્વી શો સૌથી મજબૂત દાવેદાર બને છે.


આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેચનાર મયંક અગ્રવાલ પણ ચોથા નંબરે બેટિંગ માટે દાવેદારી ઠોકી ચૂક્યો છે. જો આમ થશે તો ધવનના બદલે લોકેશ રાહુલ ઓપનિંગ કરશે અને મયંક અગ્રવાલની મિડલ ઓર્ડરમાં દાવેદારી મજબૂત બની જશે.