

બોલિવૂડ ફેન્સને આજે પણ શાહરૂખ ખાન અને સની દેઓલની ડર ફિલ્મ યાદ હશે. યશ ચોપરાનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ એક ક્લાસિક સાઇકોથ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મને ખુબજ પસંદ કરવામાં આવી હતી. તેમ છતાં આ ફિલ્મનાં ત્રણેય સ્ટાર્સ એક સાથે ક્યારેય ફરી ઓનસ્ક્રિન જોવા મળ્યા નથી. જી હાં ડર બાદ સની દેઓલે ક્યારેય યશ ચોપરા સાથે કામ નહોતું કર્યું એટલું જ નહીં તેણે 16 વર્ષ સુધી શાહરૂખ ખાન સાથે વાત પણ નહોતી કરી.


હાલમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન સનીએ આ અંગે વાત કરી હતી. જ્યારે સનીને પુછવામાં આવ્યું કે, 'ડર'નાં સેટ પર યશ ચોપરા અને શાહરૂખ ખાન તેનાંથી ડરતા હતાં.. તો તેણે કહ્યું કે, કદાચ તેઓ એટલે ડરતાં હોય કારણ કે તેઓ ખોટા હતાં.


તે ઘટનાને યાદ કરતાં સની કહે છે કે, મારે શાહરૂખ સાથે એક સીનનું શૂટિંગ કરવાનું હતું. જેમાં તે મને ચાકૂ મારે છે. આ સીનને લઇને મારી યશ ચોપરા સાથે ઘણી ચર્ચા થઇ હતી. મે કહ્યું હતું કે, ફિલ્મમાં હું એક કમાન્ડો છું. મારું કિરદાર ફિટ છે. એક્સપર્ટ છે. કોઇ છોકરો (શાહરૂખનું કેરેક્ટર) આવીને મને ચાકુ કેવી રીતે મારી શકે છે. આ ત્યારે બની શકે જ્યારે કમાન્ડો તેને ન જુએ. કમાન્ડો બીજી તરફ જોતો હોય ત્યારે તે આવી ચાકૂ મારી દે તો ચાલે. પણ તે ત્યાં જ જોતો હોય અને તેની સામે જ જો ચાકુ મારે તો તે કમાન્ડો ન કહેવાય.


સની દેઓલે કહ્યું કે, યશજી મોટા હતાં. મે તેમની ઇજ્જત કરી. અને કંઇ ન કહી શક્યો. મે મારા બંને હાથ ખીસ્સામાં નાખી દીધા. કારણ કે મને ખુબજ ગુસ્સો આવ્યો હતો. મને એટલો ગુસ્સો આવ્યો હતો કે મને માલૂમ જ ન થયુ કે મે મારા હાથે જ મારા પેન્ટનાં ખીસ્સા ફાડી નાખ્યા હતાં.