

હર્મેશ સુખડિયા, અમદાવાદ : મુંબઇમાં સલમાન ખાને શ્રમિકો પર કાર ચઢાવી દીધી હતી તેવી જ ઘટના અમદાવાદમાં બની છે. પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાર્કિંગની જગ્યાએ સુતેલા એક વૃદ્ધ શ્રમિક અકસ્માતનો ભોગ બન્યા છે. કાર ચાલકને રાત્રે ન દેખાતા સુતેલા વૃદ્ધ પર કાર ચઢાવી દેતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે.


અમદાવાદનાં પકવાન ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે 12 વાગ્યે પકવાન બીટ પોલીસ ચોકી પાછળ જ અકસ્માત સર્જાયો છે. એક કાર ચાલક કાર પાર્ક કરવા ગયો ત્યારે તેને સુતેલા એક વૃધ્ધ પર કાર ચઢાવી દીધી હતી. વૃદ્ધનાં છાતીનાં ભાગે કારનું પૈડું ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


અકસ્માતમાં મૃત પામેલા વૃદ્ધનું નામ સુખલાલ દુબેલાલ પાવરી હોવાનું સામે આવ્યું છે. 65થી 70 વર્ષના સુખલાલ મૂળ રાજસ્થાનના હતા. તેઓ એકાદ મહિનાથી છુટક મજૂરી તથા રમકડાં વહેંચવાનું કામ કરતા હતાં. તેઓ તેમના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતાં.


તેમનો પરિવાર પણ આ જ રસ્તા પર આગળ રહેતો હતો. ઘટનાની રાત્રે મૃતકના પુત્ર અમરલાલ જમવાનું લેવા ગયા. તેમણે પરત આવીને જોયું તો આ દુર્ઘટના બની હતી.