

ગુરુગ્રામ : રવિવારે પોલીસને બજઘેરા ખાતેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે વધારે તપાસ યુવકની પત્નીએ જ તેની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે યુવકની પત્ની તેમજ તેના પાડોશમાં રહેતા છ લોકોની ધરપકડ કરી છે. આ છ લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહિલાએ તેના પાડોશમાં રહેતા છ લોકોને તેના પતિની હત્યા માટે સોપારી આપી હતી. આ માટે મહિલાએ તેમને રૂ. 16 લાખ આપવાનું વચન આપ્યું હતું. મહિલાએ તમામ લોકોને રૂ. 25 હજારની ચુકવણી કરી દીધી હતી.


પતિનું અફેર હોવાની પત્નીને હતી આશંકા : ઝજ્જરની સ્વિટીના પાંચ-છ વર્ષ પહેલા જોગીન્દર નામના એક ટેક્સી ડ્રાઇવર સાથે લગ્ન થયા હતા. સ્વીટી અને જોગીન્દર ગુરુગ્રામની શીતલા કોલોનોમાં એક મકાનમાં રહેતા હતા. લગ્ન જીવનથી બંનેને એક પાંચ વર્ષનો દીકરો અને ત્રણ વર્ષની દીકરી હતી. જોગીન્દર ટેક્સી ડ્રાઇવરનું કામ કરતો હતો, તેમજ તેની પાસે પોતાની ટેક્સી હતી. સમય જતાં સ્વિટીના દિમાગમાં એવી આશંકાએ ઘર કરી લીધું હતું કે તેના પતિ જોગીન્દરનું કોઈ અન્ય મહિલા સાથે લફરું ચાલી રહ્યું છે.


પત્ની હત્યા માટે લીધી પાડોશીની મદદ : અન્ય મહિલા સાથે અફેરની આશંકા બાદ સ્વિટીને લાગ્યું હતું કે તે તેણી તેના પતિની સાથે સાથે બધી સંપત્તિ પણ ગુમાવી દેશે. આ માટે તેણે તેની મિત્ર કમલેશને વિશ્વાસમાં લીધી હતી અને પતિની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્વિટી તેમજ તેના મિત્રએ ટીવી શોમાંથી પ્રેરાઇને જોગીન્દરની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. કમલેશ અને તેનો પતિ છેલ્લા ત્રણ વર્ષથી જોગીન્દરના પાડોશમાં જ રહેતા હતા. બાદમાં સ્વિટી અને કમલેશના પ્લાનમાં કમલેશનો પતિ કનૈયા ઉર્ફે કન્ની પણ જોડાયો હતો.


આ રીતે હત્યાને આપ્યો અંજામ : કન્નીએ હત્યા માટે તેના અન્ય ચાર મિત્રો, જગેરામ, વિકાસ, યોગેશ અને પ્રતાપની મદદ લીધી હતી. હત્યાના પ્લાન પ્રમાણે તમામ લોકો 15મી જાન્યુઆરીના રોજ અડધી રાત્રો જોગીન્દરના ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં જોગીન્દરનું ઓશિકાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ઘરમાં પહેલાથી જ રાખવામાં આવેલા લોખંડના પાઇપ અને લાકડીથી પણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે સ્વિટીએ ઘરમાં ગાર્ડ તરીકેનું કામ કર્યું હતું. હત્યા બાદ જોગીન્દરના મૃતદેહને એક પ્લાસ્ટિકની બેગમાં ભરવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહને મોટરસાઇકલ પર મૂકીને બજઘેરા ખાતે આવેલી ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.


સ્વિટીએ નોંધાવી ફરિયાદ : હત્યાના બે દિવસ બાદ સ્વિટીએ ગુરુગ્રામ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન ખાતે તેના પતિની ગુમ થવા અંગેની ફરિયાદ આપી હતી. સ્વિટીએ પોલીસને કહ્યું હતું કે, તેનો પતિ 15મી જાન્યુઆરીના રોજ કોઈને કહ્યાં વગર ઘરેથી ચાલ્યો ગયો છે. 20મી જાન્યુઆરીના રોજ પોલીસને બાજઘેરા ખાતેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તેની બાજુમાંથી જ પોલીસને એક બાઇક પણ મળી આવ્યું હતું.


આ કેસમાં પોલીસે જોગીન્દરના પરિવારના સભ્યોનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જોગીન્દરના ભાઈએ તેની ભાભી પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જે બાદમાં પોલીસે સ્વિટીની આકરી પૂછપરછ કરી હતી. આ દરમિયાન સ્વિટીએ વટાણા વેરી નાખ્યા હતા અને પોતે જ હત્યાનો પ્લાન ઘડ્યાનું કબૂલી લીધું હતું. બાદમાં પોલીસે આ કેસમાં સ્વિટી અને તેના છ સહાયકોની ધરપકડ કરી લીધી હતી.