ગાંધીનગરઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે. તેમના દ્વારા લાંબા સમય માટે કરવામાં આવેલી આગાહી પણ સચોટ સાબિત થતી હોય છે. આવામાં તેમણે એક અઠવાડિયા અગાઉ જ માવઠાનું જોર 19 તારીખ સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ પછી તેમણે એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરી છે. એટલે કે તેમની આગાહી પ્રમાણે માર્ચ પછી પણ માવઠું પીછો છોડશે નહીં. હવામાન વિભાગે પણ એક દિવસના ગેપ બાદ ફરી માવઠા અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષમાં હવામાનમાં સતત આવી રહેલા પલટાની અસર ખેતીની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આ અંગે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની શક્યાઓ છે માટે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે. તેમણે 20 તારીખ સુધી તંદુરસ્તીની કાળજી રાખવા માટે જણાવ્યું છે. વસંતમાં કફના રોગો થવાની શક્યતા અંગે તેમણે કહ્યું કે, ઋતુના સંધીકાળમાં ન્યૂમોનિયા જેવા રોગ થતા હોય છે
હવામાન વિભાગે આજે પણ કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ થવાની આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ સહિત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં વરસાદ થવાની આગાહી કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.