વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પિતા-પુત્ર પર ટ્રકનાં ટાયર ફરી વળ્યાં- વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતાં તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. એમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા- બુધવારે બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.