Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં જે કાર્ય કોર્પોરેશનને કરવું જોઈએ તે કાર્યને શહેરની એક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાંથી એકત્ર કરેલા પ્લાસ્ટિકના કચરાને છુટો પાડીને યોગ્ય જગ્યાએ નિકાલ ન કરતા હવે શહેરમાં કચરે સે આઝાદી શીર્ષક હેઠળ કચરાનો યોગ્ય નિકાલ કરવાનું બિડુ ઉપાડવામાં આવ્યું છે. હાલ શહેરમાંથી એકત્ર કરાયેલા કચરામાંથી પ્લાસ્ટિકને છુટો ન પાડી એક જગ્યાએ ડમ્પિંગ યાર્ડમાં ડમ્પ કરી દેવામાં આવે છે.
કચરે સે આઝાદીના પ્રમોટર ડૉ. સુનિત ડબકે એ જણાવ્યું કે," અમારી સેવાઓ ઉત્પાદનોના વેચાણ સુધી મર્યાદિત ન રહેતા અલ્ટીમેટ સોલ્યુશન્સ સેવાઓ આપીએ છીએ. આ અભિયાનમાં વડોદરા જિલ્લાના મોટાભાગના લોકો સહકાર આપી રહ્યા છે અને અન્ય લોકો પણ સહકાર આપે એવી અપેક્ષા છે. શહેરી લોકો પણ આ અભિયાનમાં જોડાયા તો ભવિષ્યમાં વડોદરા કચરા મુક્ત બનશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "ભીનો કચરો લેવા અમારા તરફથી લેબર મોકલીએ છીએ, જેઓ જે તે ગામમાં જઈને ભીનો કચરો કલેકટ કરે છે. જેને અમે રોકેટ કમ પોસ્ટરમાં પ્રોસેસ થકી લીકવીડ ખાતર બનાવીએ છીએ, જેમાં કોઈપણ પ્રકારના રસાયણની જરૂર પડતી નથી. 100 ટકા શુદ્ધ ખાતર કે જેના થકી કોઈપણ પ્લાન્ટ માટે સકારાત્મક રિઝલ્ટ મળી શકે છે.
આ ઉપરાંત મીયાવાંકી ફોરેસ્ટ જેમાં 1000 જેટલા ઔષધીય પ્લાન્ટ લગાવ્યા છે. બટરફ્લાય ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ બટરફ્લાયના ગ્રોથ માટે નવી શરૂઆત કરી છે. ગારબેજ ટુ ગાર્ડન, ગાર્ડન વેસ્ટ મેનેજમેન્ટ થકી સૂકાં પાંદડા માંથી ખાતર તેમજ કોઈપણ પ્લાસ્ટિક અને ભીના કચરા થકી અન્ય વસ્તુઓ જેવી કે, પેવર બ્લોક, બેઠક, બેન્ચ, પીપ, ડસ્ટબીન, ફ્લાવર પોટ્સ, પેન સ્ટેન્ડ, કાર્ડ સ્ટેન્ડ, ડીશ,નોટબુક જેવી વસ્તુઓ કચરામાંથી જ બનાવવામાં આવે છે.
જેમાં સૌથી મહત્વની વાત એ છે કે જો આ રિસાઇકલ વડે બનેલી નોટબુક અને પેન સ્ટેન્ડ જેવી બીજી અનેક વસ્તુઓ એવી છે કે જેનો ઉપયોગ ન થતા એને જે જગ્યાએ ફેંકવામાં આવે ત્યાં જે તે પ્રકારના પ્લાન્ટ ઊગી નીકળે છે. કારણ કે, એ વસ્તુની બનાવટ સાથે એમાં અમુક પ્રકારના પ્લાન્ટના બીજ એડ કરવામાં આવે છે. અને જે પણ પ્રોડક્ટ વેચવામાં આવે છે અને એમાંથી ઊભી થતી કમાણીમાંથી 10 ટકા ગ્રામ પંચાયતને પરત કરવામાં આવે છે.
વેસ્ટમાંથી બેસ્ટ અભિગમ હેઠળ બનાવવામાં આવેલ દરેક વસ્તુમાં બાંકડાની માંગ અત્યાર સુધીમાં સૌથી વધારે રહી છે. જેમાં GST ભવન, રેલવે વિભાગ, એરફોર્સ સ્ટેશન, CSR માં આ બાંકડા વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાયા છે. હવે આ અભિગમ વડોદરા જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે બેન્ચ બનાવવા સુધી વિસ્તરી ગયો છે, જેથી કરીને ફકત કચરાનો નિકાલ જ નહીં પરંતુ એનું રિસાયકલ કરીને એનો સદુપયોગ થઇ શકે છે.