હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય એક રિપોર્ટ મુજબ સવારે પવનની ગતિ રહેશે અને સાંજ ઢળતી જશે તેમ-તેમ આ ગતિમાં ઘટાડો થતો જશે. જોકે, હવામાન એકસ્પર્ટ દ્વારા રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન 20-25 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમુક સમય દરમિયાન ગતિ 30kmphની ઝડપ સાથે રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. અગાઉ પવનની ગતિ અંગે કરવામાં આવેલી આગાહીમાં હવામાન વિભાગના ડિરેક્ટ મનોરમા મોહંતી અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનો સમાવેશ થાય છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે સવારે 8થી10 વાગ્યા દરમિયાન પવની ગતિ 11kmph રહેશે અને તે દરમિયાન પવનની દિશા ઉત્તરપૂર્વની હશે. આ પછી 10થી 12 વાગ્યાના ગાળામાં પવનની ગતિ ઘટીને 9 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે અને સવાર પ્રમાણે જ પવનની દિશા ઉત્તરપૂર્વ રહેશે. બપોરે 12થી 2 વાગ્યાના સમયમાં પણ પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે અને પવનની દિશા પૂર્વઉત્તર પૂર્વ રહેશે.
2થી 3ના એક કલાકના ગાળામાં પવનની ગતિ 7kmph રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને પવનની દિશા ઉત્તરપૂર્વ રહેશે. જે બાદ સાંજે 3થી 4ના સમયમાં પણ પવનની ગતિ 7ની રહેશે અને દિશા ઉત્તરપૂર્વમાં રહેશે. 4થી 6 દરમિયાન પવનની ગતિ 7-6 કિલોમીટર પ્રતિકલાકની રહેશે અને પવનની દિશા ઉત્તરપૂર્વની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિવસ દરમિયાન કેવો રહેશે પવન?: હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી જણાવે છે કે, 14મી અને 15મી જાન્યુઆરીએ પવનની ગતિ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે આ સિવાય કેટલાક સમય દરમિયાન તે વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. એટલે કે પતંગ રસિયાઓએ ઠૂમકા મારીને પોતાના ખભા અને હાથ દુખાડવા પડશે નહીં.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઘણાં વર્ષો પછી આ વખતે પવનની દિશા અને ગતિ બરાબર રહેવાની છે. 14મી તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે પવનની દિશા ઉત્તર-પૂર્વની અને ઉત્તરની રહેશે, મોટાભાગની જગ્યાએ 20-25 Kmphની ગતિ સાથે પવનની ગતિ રહેશે જ્યારે કેટલાક જગ્યાઓ પર 25kmph કરતા પણ વધુ પવનની ગતિ રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં ક્યાં કેવો પવન રહેવાનો છે?: પરેશ ગોસ્વામી જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સવારથી જ પવનની ગતિ સારી રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારો છે ત્યાં બપોર સુધી પવનની ગતિ સામાન્ય રહેશે અને તે પછી પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે. એટલે કે બપોર પછી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની વધારે મજા માણી શકશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં કેટલાક સ્થળો પર તાપમાન 6થી 7 ડિગ્રી પર પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટવાની સંભાવના છે. ઉત્તરાયણમાં ઠંડી રહેવાની સંભાવના છે જેથી બપોરના સમયે પતંગ રસિયાઓએ ધાબા પર આકરા તાપમાંથી રાહત મળી શકે છે.