આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેવાની આગાહીથી પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ પતંગ અને માંજાની છેલ્લી ઘડીએ સસ્તી ખરીદી કરવાના વિચાર સાથે બજારમાં ગયેલા લોકોને મોંઘવારીનો ડામ મળી રહ્યો છે. સામાન્ય રીતે અમદાવાદમાં છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી સસ્તામાં થઈ જવાનું માનીને પતંગ રસિકો બજારોમાં જતા હોય છે, પરંતુ આ વખતે પતંગની જેમ ભાવ પણ આસમાને પહોંચી જતા પતંગના રસિયાઓને આંચકો લાગી રહ્યો છે.
પાછલા સમયમાં કોરોનાના કારણે વિવિધ ગાઈડલાઈન્સ પ્રમાણે ઉત્તરાયણની મજા માણવાની છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે બેરોકટોક પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણવા માટે રસિયાઓ તૈયાર છે. પરંતુ મોંઘવારી તેમને ડામ આપી રહી છે. વેપારીઓ પણ આ વખતે ઉત્તરાયણની સારો એવો વેપાર થશે તેવી આશા સાથે બજારમાં બેઠા છે.
ગુરુવારે કેટલાક પતંગ રસિયાઓ ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા પરંતુ પતંગ, દોરી અને ટેલર સહિતના ભાવ સાંભળીને પાછા ફર્યા હતા અને અંતિમ ઘડીએ ખરીદી કરવા માટે મન બનાવ્યું હતું. બીજી તરફ એક વેપારીએ જણાવ્યું કે આ વખતે ભાવ વધારો છે પરંતુ આ તહેવાર જ એવો છે કે લોકો ખરીદી કરીને ઉત્તરાયણની મજા જરુર માણશે.
પોતાના બાળકોને લઈને છેલ્લી ઘડીએ પતંગ-દોરીની ખરીદી કરવા પહોંચેલા માતા-પિતાને પણ આ વખતે ભાવમાં થયેલો વધારો નડી રહ્યો છે. રાયપુરમાં ખરીદી કરવા માટે પહોંચેલા એક મહિલાએ જણાવ્યું કે, "આ વખતે પણ ઉત્તરાયણની ખરીદીની ભીડ બજારમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણનો આનંદ તો છે પરંતુ ભાવ વધારાનું દુઃખ થઈ રહ્યું છે."
પતંગ અને દોરીમાં 20થી 25 ટકાનો ભાવ વધારો: આ વખતે મુક્ત રીતે ઉત્તરાયણની મજા માણવા માટે રસિયાઓ તૈયાર છે પરંતુ તેમને ભાવ વધારો નડી રહ્યો છે. આ વખતે પતંગ અને દોરીના ભાવમાં પાછલા વર્ષોની સરખામણીમાં 20થી 30 ટકા જેટલો ભાવ વધારો થયો છે. ભાવમાં વધારો થવાના કારણે ડિમાન્ડમાં 70% જેટલો ઘટાડો થયો છે. મોંઘવારીના કારણે માંજાના કારોબારને મંદી નડી રહી છે.
રાજકોટના પતંગના વેપારીને પણ નડી રહી છે મંદીઃ રાજકોટના પતંગ-દોરીનો ધંધો કરતા વેપારીઓ જણાવે છે કે, કપાસના ભાવમાં વધારો થવાથી દોરીના ભાવમાં પણ તેની અસર થઈ છે, દોરીના ભાવમાં વધારો થવાથી ટેલર રંગાવ્યા પછી તૈયાર થતી ફીરકીના ભાવમાં પણ વધારો થયો છે. પાછલા વર્ષે જે રીલના ભાવ 150 હતા તે આ વર્ષે 300માં વેચાઈ રહ્યા છે. ભાવમાં વધારો થવાના કારણે ખરીદી પર પણ તેની અસર પડી રહી છે. ગ્રાહકો ભાવ પૂછીને ચાલતી પકડી રહ્યા છે.
રાજકોટમાં ઉત્તરાયણની ખરીદી કરવા ગયેલા ગ્રાહકો જણાવે છે કે, પાછલા વર્ષે 500 રૂપિયામાં પતંગ અને દોરી બન્નેની ખરીદી થઈ જતી હતી પરંતુ આ વર્ષે 500 રૂપિયા તો માત્ર ફીરકી પાછળ જ ખર્ચવા પડે તેવી હાલત છે. પતંગ અને દોરીની સાથે ઉત્તરાયણમાં ઉપયોગમાં લેવાતા પીપૂડા, ચશ્મા, માસ્ક વગેરેના ભાવમાં પણ વધારો થયો છે.