ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લામાં (Valsad)સતત 3 દિવસથી વરસાદી માહોલને (Rain in Gujarat)કારણે જિલ્લાના (Valsad district)તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. આવા સમયે વલસાડના ધડોઈ ડેમ (Dhadoi Dam)નજીક ઔરંગા નદીમાં એક યુવક અને યુવતી નદી વચ્ચે પથ્થર પર ફસાઈ ગયા હતા. જેની જાણ થતા એન.ડી આર.એફની ટીમ (NDRF)તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સતત બે કલાકના દિલધડક ઓપરેશન (NDRF Rescue)બાદ યુવક અને યુવતીને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નદી કિનારે મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા.
બનાવની વિગત મુજબ વલસાડના ધડોઈ ડેમ નજીક ઔરંગા નદીમાં એક યુવક અને યુવતી નદી કિનારે એક પથ્થર પર એકાંતની પળો માણી રહ્યા હતા. ત્યારે અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને પથ્થરની આસપાસ પાણી ફરી વળ્યું હતું. આથી આ પ્રેમી યુગલ નદીમાં ફસાઈ ગયું હતું. જેની જાણ નદી કિનારાના લોકોને થઈ હતી. આથી તાત્કાલિક તંત્રને જાણ કરતાં જ વલસાડ તંત્ર દ્વારા વલસાડમાં સ્ટેન્ડબાય રહેલી એનડીઆરએફની ટીમને બનાવની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા એનડીઆરએફની ટીમ પૂરી તૈયારી સાથે સ્થળ પર પહોંચી હતી અને નદીમાં ફસાયેલા પ્રેમી યુગલને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઔરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી પૂર જેવી પરિસ્થિતિ હતી. આથી નદીના ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યૂ કરવું ખૂબ જોખમી હતુ તેમ છતાં એનડીઆરએફના જવાનોએ જીવને પણ જોખમમાં મુકી સતત બે કલાક સુધી નદી કિનારે ફસાયેલા પ્રેમી યુગલને બચાવવા પ્રયાસ કર્યા હતા અને અંતે સફળતા મલી હતી. ભારે જહેમત બાદ યુવક અને યુવતીને રેસ્ક્યૂ કરીને કિનારા પર લાવવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ત્યારે ધડોઈ ડેમ નજીક ઔરંગા નદીમાં ફસાયેલા આ પ્રેમીયુગલને બચાવવા એન.ડી.આર એફની ટીમ દ્વારા હાથ ધરાયેલા દિલધડક ઓપરેશનને જોતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. એન ડી આર એફ દ્વારા યુવક અને યુવતીને સલામત રીતે બચાવી અને કિનારે લાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.