કિર્તેશ પટેલ, સુરત : કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજી તરફ દેવ ઉઠી એકાદશી બાદ લગ્નની સિઝન શરૂ પણ થઈ રહી છે. સરકારે 200 લોકોની જગ્યાએ 100 લોકોની મર્યાદામાં લગ્ન કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેથી મર્યાદિત સંખ્યામાં કેમ લગ્ન કરવા તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ સુરતના લંબે હનુમાન રોડ પર રહેતા પરિવારે પોતાના દીકરાના લગ્ન 20 લોકોની હાજરીમાં કરવાનું નક્કી કર્યું છે. બન્ને પક્ષે 8-8 લોકો હાજર રહેશે અને એ રીતે 20 લોકોની હાજરીમાં લગ્ન કરીને વર્તમાન સમયમાં પ્રસંગ કેમ ઉકેલવો તેનું ઉદાહરણ પુરૂં પાડી રહ્યાં છે.
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલા જે.બી.ડાયમંડ સર્કલ પરની સૈફી સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ અને ઈન્દુબેન પટેલના પુત્ર વિરાટના લગ્ન 26મી નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે સીમાડા ચાર રસ્તા બી.આર.ટી.એસ. જંકશન રામકથા રોડ હપાણી ફાર્મમાં પ્રવિણભાઈ નારાણભાઈ રામાણીની દીકરી મીરલ સાથે નિર્ધાર્યા છે.