હેમંત ગામિત, વ્યારા: વ્યારાના પાનવાડી ખાતે વનવિભાગના સહયોગથી કેમ્પા યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષથી ચાલતાં નાહરી ભોજનાલય વન શ્રી રેસ્ટોરન્ટમાં (Vanshree restaurant bu Adivasi women) કરંજવેલ ગામની આદિવાસી બહેનો આદિવાસી પરંપરાગત વાનગીઓ (traditional recipe) બનાવે છે. જેને માણવા દૂરદૂરથી લોકો અહીં આવે છે.
તાપી જિલ્લાનાં મુખ્યમથક વ્યારામાં પાનવાડી ખાતે લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુસર વનવિભાગના સહયોગથી આદિવાસી બહેનોએ વન શ્રી રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. જેમાં કરંજવેલ ગામની દસ જેટલી આદિવાસી બહેનો કામ કરી રોજગારી મેળવી રહી છે. આ ભોજનાલયમાં નાગલી, જુવાર, ચોખાના રોટલા સહિત ઓર્ગેનિક પધ્ધતિથી પકવેલા શાકભાજીનું સરસ શરીરને ઉપયોગી અને આર્થિક રીતે પણ પોષાય તેવું ભોજન મળી રહે છે. જેથી સારા પ્રમાણમાં લોકો અહીં ભોજન માટે આવવાનું પસંદ કરી રહ્યાં છે.
વાંસની બનાવટમાંથી તૈયાર થયેલું આ વન શ્રી રેસ્ટોરન્ટ બહારથી પણ ખૂબ જ આકર્ષક લાગતું હોવાથી અહીંથી પસાર થતાં લોકો ભોજનનો સ્વાદ માણવા પ્રેરિત થઈ જતાં હોય છે. આજના આધુનિક યુગમાં લોકોએ ફાસ્ટફુટ તરફ દોટ મુકી પોતાના આરોગ્યને બગાડી રહ્યાં છે ત્યારેઆ ભોજનાલયમાં બપોરે અને સાંજે બે ટંકનું પરંપરાગત આદિવાસી વાનગીઓ સાથેનું સાત્વિક ભોજન મળી રહે છે. જે શરીર માટે ખુબજ આરોગ્યવર્ધક અને ગુણકારી છે.