

ભરતસિંહ વાઢેર, કપરાડા : કોરોના કેરને કારણે છેલ્લા સાતેક મહિનાથી રાજ્યમાં અને દેશભરના શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણની સાથે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ ઓનલાઇન કસોટીઓ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના વિદ્યાર્થીઓ જીવને જોખમમાં મુકી અને મહામહેનતે અનેક મુશ્કેલીઓ વેઠી અને ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. દિવસે તો ઠીક રાત્રે પણ તેઓ ઓનલાઇન અભ્યાસ અને કસોટી માટે કિલોમીટર દૂર સુધી દૂર જંગલમાં ભટકી અને પહાડો અને ટેકરીઓ પર જઈ અને ઓનલાઇન શિક્ષણ મેળવવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે આ ગામનાં વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે બાળકોની પરીક્ષા સવારના સમયમાં લેવાય અને ઓનલાઇન શિક્ષણ સાથે કોઇ વૈકલ્પિક સુવિધા પણ આપવામાં આવે.


કપરાડા તાલુકો વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તારમા આવેલો છે. જ્યાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓનો અભાવ છે. આ વિસ્તારના છેવાડાના પહાડી વિસ્તારના ગામોમાં નેટવર્કના અભાવથી લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જોકે, સૌથી વધુ મુશ્કેલીઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થઈ રહી છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું છે અને ઓનલાઈન ક્લાસીસ પણ ચાલી રહ્યા છે.


જેથી કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોના વિદ્યાર્થીઓએ પોતાના ગામથી દૂર જંગલમાં ભટકી અને પહાડો કે ટેકરીઓ પર ચઢી અને ઓનલાઈન અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિવસે તો જંગલ અને પહાડીઓ ખૂંદી અને ઘરથી ત્રણથી ચાર કિલોમીટર દૂર પહાડી પર જઈ અને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓની કરમ કઠિનાઈ પણ એ છે કે, આ વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસની સાથે કસોટીઓ પણ ઓનલાઇન હોવાથી મોટાભાગે આ કસોટીનો સમય રાતના હોવાથી પ્રાથમિક શાળાથી લઇ ધોરણ-12 સુધી અભ્યાસ કરતા આ વિસ્તારના વિદ્યાર્થીઓ ઓનલાઇન કસોટી માટે પોતાના ઘરથી દૂર 3થી 5 કિલોમીટર દૂર જંગલમાં અને પહાડો પર ભટકી અને ઘોર અંધકારમાં મોબાઈલની લાઈટોના સહારે ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે.


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રાંહોર ગામ અને આસપાસના મોટાભાગના તમામ ગામોના વિદ્યાર્થીઓની આ જ પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓએ રાતના ઓનલાઇન પરીક્ષા આપવા પોતાના ઘરથી દૂર પહાડી અને જંગલ માં ભટકવું પડે છે. રાતના અંધકારમાં આ જંગલ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ જંગલી અને હિંસક પશુઓના ભયના ઓથાર હેઠળ ડુંગર કે પહાડીઓમાં ઉપર બેસી અને જીવને જોખમમાં મૂકી આવી રીતે ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે. જોકે, આ પહાડો પર કે ટેકરીઓ પર જંગલોમાં લાઈટની સુવિધા પણ નહીં હોવાથી આ વિદ્યાર્થીઓ મોબાઈલની લાઈટના સહારે જ ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં તો સરળતાથી મોબાઇલ નેટવર્કને કારણે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે છે અને ઓનલાઈન કસોટીઓ પણ આપી શકે છે.