ભરતસિંહ વાઢેર, પારડી: વલસાડ (Valsad) જિલ્લાનાના પારડી (Pardi) નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National highway) પર ત્રણ વાહનો વચ્ચે એક ગોઝારો અકસ્માત (Triple accident) થયો હતો. સોમવારે મોડી રાતે બે ટેમ્પો અને એક કન્ટેનર (accident between tempo and container) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. અકસ્માત બાદ આગ લાગતા જ બે વાહનો ભડકે બળ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિકો પણ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
મળતી માહિતી મુજબ, સોમવારે રાતે પારડી નજીક હાઇવે પર વાપી વલસાડ તરફ એક ટેમ્પો રોંગ સાઇડ પર આવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બે વાહનો સામ સામે ધડાકા સાથે અથડાયા હતાં. જ્યારે અન્ય એક વાહન પાછળથી અથડાયું હતું. આમ ત્રણેય વાહનો એક બીજાને ધડાકા સાથે અથડાઇ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં કેમિકલ ભરેલું અને અન્ય એક ટેમ્પોમાં પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન ભર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી.
ધડાકા સાથે ટક્કર થતાં 2 વાહનોમાં થોડીજ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને જોતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જોકે આગ લાગતાં વાહનોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એકનું ટેમ્પોમાંજ સળગી જતા કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બેના ચાલકોને લોકોએ જીવના જોખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ ઘટનામાં 2ના કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
આ અકસ્માત બાદ લાગેલી આગને કાબુમાં લેવા માટે પારડી, અતુલ અને વલસાડ એમ ત્રણ જગ્યાએથી ફાયર બ્રિગેડની 3 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના સફળતા મળી હતી. પરંતુ અકસ્માતને કારણે કલાકો સુધી હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેને મોડી રાત્રે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી દૂર કરી વાહન વ્યવહાર યથાવત્ કરાવ્યો હતો.
અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. એક વાહનમાં કેમિકલ પાવડર અને એકમાં પ્લાસ્ટિકના સામાન જેવો સામન ભર્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે, બંને વાહનો ભડકે બળતાં હોવાથી આગની જ્વાળાઓ દૂર દૂરથી પણ દેખાતી હતી. પારડી પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને ભોગ બનેલા ચાલકોની ઓળખ અને વાહન માલિકો અંગે તપાસ હાથ ધરી છે.