વલસાડ: વલસાડથી (Valsad) અબોલ પ્રાણીઓનો ઘણો જ ભાવનાત્મક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રેલવે કર્મચારી તરીકે ફરજ બજાવતા મુનવ્વર શેખના પરિવાર સાથે વર્ષોથી લિઓ અને કોકો (Lio and Coco cats) નામની બે બિલાડીઓ રહેતી હતી. કોકો લાંબા સમયથી બીમાર હતી, સારવાર કરાવી છતાં જીવ ના બચાવી શક્યા. તો બાદમાં લિઓનું વર્તન ઘણું જ ચોંકાવનારુ બન્યુ હતું. મુનવ્વર શેખની પર્શિયન બિલાડી લિઓ પોતાની બહેન કોકોની કબર પાસે કલાકો સુધી બેસી રહે છે. 23મી સપ્ટેમ્બરના રોજ કોકોનું મૃત્યુ થવાને કારણે તેને દફનાવવામાં આવી હતી.
આશરે ચાર વર્ષ પહેલા ફૈસલને તેના એક મિત્રએ આ બન્ને પર્શિયલ બિલાડીઓ ભેટ તરીકે આપી હતી. લિઓની સફેદ રંગની છે જ્યારે કોકો કાળા રંગની હતી. મુનવ્વર શેખના દીકરા ફૈસલે આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તે જણાવે છે કે, અમે કોકોને અમારા કમ્પાઉન્ડમાં દફનાવી છે. અમે પણ જોઈને ચોંકી ગયા કે, લિઓ તે કબર પાસે જાય છે અને પછી કલાકો સુધી ત્યાં બેસી રહે છે. (કોકો અને લિયોની પહેલાની તસવીરો)
તે આગળ જણાવે છે કે, બે વર્ષ પહેલા કોકો ખોવાઈ પણ ગઈ હતી. કોકો જ્યારે પાછી ના આવી તો પરિવારને લાગ્યું કે કોઈએ ચોરી કરી હશે, પરંતુ થોડા મહિના પછી અમને જાણકારી મળી કે, કોકો અત્યારે વલસાડમાં અન્ય કોઈ પરિવાર પાસે છે. જે બાદ પોલીસની મદદ લઇને કોકોને પાછી મેળવી હતી. પરંતુ તે સમયથી કોકો બીમાર રહેવા લાગી હતી. (કોકો અને લિયોની પહેલાની તસવીરો)
મીડિયા સાથેની વાતચીતમાં ફૈસલ જણાવે છે કે, બે વર્ષ પછી પણ કોકો અને લિઓ તરત જ એકબીજાને ઓળખી ગયા. તેઓ એકબીજા સાથે ખૂબ રમ્યા. બીમારીને કારણે કોકોનું મૃત્યુ થયું. જે બાદ કોકોને ઘરે લાવવામાં આવી અને ઘરની બહારના કમ્પાઉન્ડમાં તેને દફનાવવામાં આવી. અમે લિઓને કોકોના મૃત્યુ વિષે જાણકારી નહોતી આપી. તેણે અમે કોકોને દફનાવી તે પણ નથી જોયું. પરંતુ તેને અંદાજો આવી ગયો કે, કંઈક તો ખોટું થયું છે. થોડા કલાકો પછી તે આવી અને કલાકો કબરની પાસે બેસી રહે છે.