ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાનું એક એવું ગામ જ્યાં અત્યાર સુધી કોરોનાના માત્ર 3થી 4 કેસો નોંધાયા છે. કોરોના કાળના છેલ્લા 2 વર્ષથી આ ગામ કોરોનાને માત આપી રહ્યું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલું વલસાડ તાલુકાનું શંકર તળાવ ગામ છે. જેમાં ગયા વર્ષેથી અત્યાર સુધી માત્ર 3થી 4 કેસ જ બહાર આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સમગ્ર રાજ્ય અને દેશમાં અત્યારે કોરોના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્ય ભરની સાથે વલસાડ જિલ્લામાં કેસો સતત વધી રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ કેસ વલસાડ તાલુકામાં નોધાઇ રહ્યા છે. શહેરની સાથે વલસાડ તાલુકાના ગામડાઓમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વલસાડ તાલુકામાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલું શંકર તળાવ ગામ છેલ્લા 2 વર્ષથી કોરોનાને માત આપી રહ્યું છે.
આ ગામના જાગુત યુવા સરપંચ અને ગામના આગેવાનો અને શિક્ષિત યુવાનોની જાગૃતતાનું પરિણામ છે. જેના કારણે કોરોના શરૂ થયા બાદ આ ગામમાં અત્યાર સુધી માત્ર 3થી 4 કોરોનાના કેસો જ નોંધાયા છે. ગામના સરપંચ રાકેશ પટેલ દ્રારા ગામમાં કોવિડના નિયમોનું પાલન કરાવવાની સાથે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. સરપંચ દ્રારા ગામને દર અઠવાડિયે સેનિટાઇઝ કરવામાં આવે છે. સાથે ગામના તમામ લોકોને આયુર્વેદીક દવાઓ તથા માસ્ક વિતણ કરવામાં આવે છે.
ગામમાં આવેલી બે મોટી કંપનીઓમાં આવતા કામદારોને પણ જાગૃત કરવામાં આવ્યા છે. સાથે કંપનીઓમાં કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં લોકોના સ્વાસ્થ પર નજર રાખવામાં આવે છે. કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાય કે ગામનો કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થાય તો તેને ગામમાં જ સારવાર મળી રહે એ માટે આઇસોલેશન વોર્ડ બનાવમાં આવ્યા છે.
આ સિવાય વધુ ચોકસાઈ રસીકરણ માટે રખાઈ રહી છે. આ ગામમાં 45 વર્ષથી વધુના વયના મોટા ભાગના લોકોને વેકશીનના 2 ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગામમાં 45થી વધુ વયના 70 % લોકોએ વેકશીન લઈ લીધી છે અને બાકીના લોકોને પણ રસી અપાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આમ કોરોનાથી શહેરી વિસ્તારોમાં પણ હાહાકાર મચી ગયો છે. એવા સમયે આવા નાના ગામોમાં લોકો જાગૃતિ રાખે અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તો આવા છેવાડાનાના નાના ગામો પણ કોરોના મુક્ત રહી શકે છે. વલસાડ તાલુકાના નાના ગામ એવા શંકર તળાવ ગામના યુવા સરપંચ રાકેશ પટેલ અને ગામ લોકોએ સાબિત કરી બતાવ્યું છે.