ભરતસિંહ વાઢેર, વલસાડ : સગીર સંતાનોના માતા પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા પર થયેલી દોસ્તી એક સગીરાને મોંઘી પડી છે. સ્નેપ ચેટ પર દોસ્ત બનેલ એક નરાધમે સગીરાને ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. મહત્વપૂર્ણ છે કે આજની યુવાપેઢીને સોશિયલ મીડિયા પાછળ ઘેલું લાગ્યું છે, સોશિયલ પ્લેટફોર્મ પર નવા નવા મિત્રો બનાવવા જાણે હોડ લાગી હોય તેવો માહોલ સર્જાયો છે. જોકે આભાસી મિત્રો અને તેની મિત્રતા કેટલી ઘાતક નીવડે છે તે વલસાડની એક ઘટના પર સાબિત થઇ છે.
ઉમરગામ પોલીસ સમક્ષ એક સગીર પીડિતાના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની 14 વર્ષીય દીકરી સાથે એક યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. સ્નેપચેટ પર સગીર પીડિતા સાથે આરોપી આદિલ અલબલુચીએ મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ઈસમે સગીરા યુવતીને ભોળવીને એકાંતમાં બોલાવી હતી. આ સગીરાએ તેના ઘરે બોલાવી તેની સાથે અપકૃત્ય કર્યું હતું. આ સગીરા સાથે બનેલ આ ઘટનાની ફરિયાદ તેના પિતાને કરી હતી. પિતાની ફરિયાદને આધારે ઉમરગામ પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપી આદિલની ધરપકડ કરી લીધી છે.
પીડિતા સગીરા આદિલ સાથે સ્નેપચેટ નામની સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળી હતી. આદિલે આ સગીરા સાથે દોસ્તી કેળવી હતી. માત્ર સોશિયલ મીડિયામાં થયેલ પરિચયના આધારે આદિલે તેને મળવા તેના ઘરે બોલાવી હતી. સગીરા ઘરે આવતા આરોપી આદિલે પીડિતા સાથે પહેલા તો મીઠી મીઠી વાતો કરી હતી અને ત્યારબાદ એકાંતનો મોકો જોઈને આદિલે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
પીડિતાએ પોતાની સાથે બનેલી હકીકત પરિવારજનોને જણાવતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. આથી ઉમરગામ પોલીસે આરોપી આદિલને ગણતરી સમયમાં ઝડપી આરોપી વિરુદ્ધ પોસ્કોની કલમ લગાવી છે. તેનું મેડિકલ ચેકઅપ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ સગીર સંતાનોના માતા પિતા માટે લાલ બત્તી સમાન આ કિસ્સો પ્રકાશમાં આવતા વલસાડ જિલ્લા પોલીસ વડાએ તમામ વાલીને એક અપીલ કરી છે કે પોતાના બાળકના સ્માર્ટ ફોન અને તેના ફોનની તમામ પ્રવુતિઓ પર નજર રાખવી જોઈએ. જેથી સોશિયલ મીડિયામાં ફરતા નરાધમ વરુઓથી પોતાના સંતાનોને બચાવી શકાય.