કિર્તેશ પટેલ, સુરત : કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિન જ એક માત્ર વિકલ્પ વચ્ચે વેક્સિનના પૂરતા ડોઝ ન મળતા લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ સરકાર પણ કોરોના સામે વેક્સિન જ એક માત્ર ઉપાય હોવાનું જણાવી રહી છે. જોકે વેક્સિનના ડોઝ પૂરતા ન મળવાને કારણે લોકલ વ્યવસ્થા બગડી રહી છે. એટલું જ નહીં પણ ગણ્યા ગાઠ્યા લોકોને જ વેક્સિનના ડોઝ મળી રહ્યા હોવાની બુમો પડી રહી છે. આજે પુણા વિસ્તારમાં વેક્સિન મુકાવવા આવેલા લોકોએ લાઇન લગાવી રાહ જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.
પુણાગામ ભૈયાનગર ખાતે આજે વહેલી સવારથી મહિલા, વૃદ્ધો સહિતના લોકો વેક્સિનેશન સેન્ટર ઉપર અટવાયા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા લોકો વેક્સિનેશન સેન્ટર ક્યારે ખુલશે તેની રાહ જોઇ રહ્યા હતા. જાકે સેન્ટરને લાગેલા તાળા બપોર સુધી ખુલ્યા જ ન હતા. અહીં આરોગ્ય વિભાગનો કોઇ સ્ટાફ ફરક્યો ન હતો. સરકાર દ્વારા ફ્રી વેક્સિનેશન કામગીરીની જાહેરાત કરાયા બાદ પણ કેટલીક જગ્યાઓ પર લાલીયાવાડી ચલાવવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર આ તરફ પણ થોડુ ધ્યાન કેન્દ્રીત કરે તે જરૂરી છે.
કોરોનાની ત્રીજી વેવ અને હાલમાં જ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો કેસ સુરતમાંથી મળી આવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે વેક્સિનેશન ખુબ જરૂરી હોય તેવી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેક્સિનેશન સેન્ટરને સુરતમાં તાળા મારેલા જાવા મળ્યા છે. સુરતના પુણા ભૈયાનગર વિસ્તારના લોકો વેક્સિન મુકાવવા માટે કલાકોથી લાઇનમાં ઉભા રહીને સેન્ટર ખુલે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે. એક તરફ લોકોમાં વેક્સિનને લઈ જાગૃતતા દેખાય રહી છે તો બીજી બાજુ સરકાર બેદરકાર બની રહી હોવાનું દેખાય રહી છે. વેક્સિનેશન ને લઇ લોકોમાં જાગૃતતા પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ફ્રી વેક્સિનની જાહેરાત તો કરાઈ છે પરંતુ વેક્સિન સેન્ટર બંધ છે એ બાબતે સરકાર અજાણ હોય એમ લાગી રહ્યું છે. જાગૃત લોકો વહેલી સવારથી વેક્સિન લેવા લાઈનમાં ઉભા રહ્યા છે. ત્યારે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાનું અધિકારીઓ દ્વારા કહેવાય રહ્યું છે. પુણાગામ ભૈયાનગર પાસે આવેલ સુમન હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં લાઇનમાં ઉભા રહેલા લોકોની પીડા સરકાર સમજે એ આવી કપળી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે. સેન્ટ્રલ ઝોનમાં 2472, વરાછા-એ ઝોનમાં 3028, વરાછા બી ઝોનમાં 2646, રાંદેર ઝોનમાં 3653, કતારગામ ઝોનમાં 1984, ઉધના ઝોનમાં 3014, લિંબાયત ઝોનમાં 3233 અને અઠવા ઝોનમાં 3497 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યા ગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી રહ્યો છે. જેને લઈ ક્યાંય લોકોમાં સરકારની વ્યવસ્થા સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.