

કિર્તેશ પટેલ, સુરત : પૂર, ભારે વરસાદ, ભૂકંપ, મહામારી, તોફાન જેવા કોઈ પણ સંકટના સમયે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા પોતાની ફરજ નિભાવવા માટે તૈયાર રહે છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે પોલીસકર્મીઓ જીવના જોખમે પોતાની ફરજ ઇમાનદારીપૂર્વક નિભાવી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમાં થેરાપી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે ત્યારે હવે સુરતના પોલીસકર્મીઓ પોતાના પ્લાઝમાં ડોનેટ કરવા માટે આગળ આવ્યા છે. સંક્રમિત થયા બાદ આજે 67 કર્મચારી અને અધિકારીમાંથી 12 કર્મચારી પ્લાઝ્માં ડોનેશન માટે એન્ટી બોડી સેમ્પલ કરાવ્યુ છે અને તેના રિપોર્ટ બાદ પ્લાઝ્મા ડોનેશન કરશે.


વૈશ્વિક કોરોના મહામારીમાં સમગ્ર દેશ પ્રભવિત થયો છે. એવામાં આ મહામારીમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. સુરત શહેરમાં પોલીસ બેડામાં 67 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા. એવામાં હવે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આગામી દિવસમાં પ્લાઝમાં ડોનેટ કરીને માનવતા મહેકાવવનું કાર્ય કરશે. આ અંતર્ગત સુરત પોલીસ કમિશનર કચેરીમાં પ્લાઝમાં ડોનેટ સેન્ટર પણ શરુ કરવામાં આવ્યું છે.


સમગ્ર વિશ્વને બાનમાં લેનાર જીવલેણ કોરોના મહામારીની સામે ઝઝૂમી રહેલા લોકો માટે સુરત પોલીસ દ્વારા પ્લાઝમાં ડોનેટ કરવાનું સરાહનીય કાર્ય શરુ કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ ખાતામાંથી કુલ 22 જેટલા પોલીસ જવાન અને પોલીસ અધિકરીઓએ પ્લાઝમાં ડોનેટ કરવાની તૈયારી બતવી છે. જેઓના ટેસ્ટિંગ બાદ આ દરેક પોલીસ કર્મચારી તેમના પ્લાઝમાંનું ડોનેટ કરશે .22 પોલીસકર્મીઓ પ્લાઝમાં ડોનેટ કરવાની તૈયારી બતાવ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સેન્ટર શરૂ કરાયું છે.


આ અંગે માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીએ આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, જેમના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થશે તેમના પ્લાઝમાં લેવામાં આવશે. આ સમગ્ર અભિયાન માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુરત હેલ્થ ડિપાર્ટમેન્ટ અને મનપા સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. જોકે આજે સુરત પોલીસ ભવન ખાતે 67 માંથી 12 કર્મચારી અને અધિકારીના એન્ટી બોડી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ તમામ કર્મચારી આગામી દિવસમાં પ્લાઝ્માં ડોનેશન કરી કોરોના સંક્રમિત લોકોના જીવ બચવા સાથે પોતાની ફરજ અદા કરી માનવતા મહેકાવશે.