કેતન પટેલ, ડાંગ: ઉનાળુ વેકેશનમાં રજાની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક (Gujarat Hill station) સાપુતારા (Saputara) ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અસહ્ય ગરમીથી (summer) રાહત મેળવા માટે લોકો સાપુતારાને પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ રંગીન બની ગયો છે.
કોરોના મહામારીમાં હોટેલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખૂબ મોટી અસર પહોંચી હતી. પરંતુ હાલ લોકો કોરોના ભૂલી સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર, મિત્રમંડળ સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટીને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે.
અહીં ફરવા માટેના પોઈન્ટમાં સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ, ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔધિઓ ઉદ્યાન, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ, તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.