ભરતસિંહ વાઢે, વલસાડ: વલસાડ જિલ્લામાં સતત 10 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં સતત વરસાદને કારણે તાલુકાઓમાંથી પસાર થતાં તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તો કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાંથી વહેતા નાના ઝરણાઓ અને ધોધ પણ સક્રીય થયા છે. જેને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના પર્યટન સ્થળો લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે ધરમપુર નજીક આવેલા બિલપૂડીના જાણીતા જોડિયા ધોધ પણ સક્રીય થયા છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આ ધોધ અને આસપાસના વિસ્તારના પ્રકૃતિનું સૌંદર્ય નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
જોકે, કોરોના ને કારણે છેલ્લા બે વર્ષથી વલસાડ જિલ્લાના મોટા ભાગના જાણીતા પર્યટન સ્થળો પર રવિવાર અને જાહેર રજાના દિવસો દરમ્યાન પર્યટકો માટે રોક લગાવી દેવામાં આવી છે. વધુમાં જાહેર સ્થળો પર પણ એકઠા થતી વખતે સોશિયલ ડિસ્ટન્સ સહિતની covid 19ની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના સહિત અન્ય પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળે છે.
જ્યાં કોવિડ 19ની ગાઇડલાઇન પણ ભુલાઈ રહી છે. આથી જિલ્લામાં ચોમાસામાં પર્યટન સ્થળો પર એકઠી થતી બેદરકારીની ભીડ જાણે કોરોનાની ત્રીજી લહેરને સામે ચાલીને આમંત્રણ આપી રહી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે .આમ દર વર્ષેની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારો નાના મોટા ધોધ અને ઝરણાઓ સક્રિય થયા છે. જે પ્રકૃતિ પ્રેમીઓ અને લોકોને આકર્ષી રહ્યા છે. આથી દર વર્ષે ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવા સ્થળો પર ઉમટે છે અને ધોધમાં અને ઝરણાઓમાં નાહવાનો લહાવો લે છે.
આ સાથે આ વિસ્તારના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળે છે. આ વર્ષે પણ ચોમાસામાં સતત વરસાદથી આ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. સાથે જ પહાડો પર હરિયાળી છવાયેલી છે. આથી સમગ્ર વિસ્તારમાં જાણે હરિયાળી ચાદર છવાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સાથે જ આ પહાડી વિસ્તારમાંથી ખળખળ વહેતાં ઝરણાં અને નાના મોટા ધોધ પણ સક્રિય થતા મોટી સંખ્યામાં લોકો ધરમપુર અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પરિવાર સાથે ઉમટે છે.