

કિર્તેશ પટેલ, સુરત : કોરોના મહામારી વચ્ચે સરકાર આંકડા સંતાડતી હોય અથવા કોરોના નહીં હોવા છતાં તેમને કોરોનામાં ખપાવી નાખવાની અનેક ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે આવો એક કિસ્સો સુરતના એક યુવકને થયો છે. મનપામાં અલગ-અલગ 3 સ્થાને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક સ્થાન પર પોઝિટિવ તો બીજા બે સ્થાન પર નેગેટિવ આવ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા આ યુવાન અને તેના પરિવારને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.


સુરતના મગદલ્લા ગામમાં રહેતા સુનિલ પ્રજાપતિને કામ અર્થે બહાર ઘણું ફરવાનું થતું હોવાથી તેમણે કોર્પોરેશનમાં ચાલતા કોરોનાના ચેકીંગમાં પોતાના કોરોના રિપોર્ટની તપાસ કરવાનો વિચાર કર્યો હતો. આ માટે તેઓ સૌથી પહેલા ઉધના ઝોનના હેલ્થ સેન્ટરમાં ગયા ત્યાં ચેકઅપ કરનાર દ્વારા પૂછાયેલા આરોગ્યલક્ષી સવાલોના જવાબ તેમણે આપ્યા હતા. ડાયાબિટીસ, સુગર જેવી કોઈ તકલીફ સુનિલભાઈને ન હતી. તેમને કોરોનાના લક્ષણો પણ ન હતા.. આ બધી જ બાબતો તેમણે જણાવી હતી. જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયા હતા. કારણ કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


આ રિપોર્ટમાં તેમને વિશ્વાસ ન થતા તે વેસુ ખાતે આવેલા હેલ્થ સેન્ટર ખાતે ગયા અને ત્યાં રિપોર્ટ કરાવતા ત્યાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નવાઈની વાત તો એ પણ છે કે પહેલા આવેલા પોઝિટિવ રિપોર્ટને આધારે કોઈ જ તકલીફ કે લક્ષણો ન હોવા છતાં તેમને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે. આજે પોતાના ઘર પાસે આવેલ ધન્વંતરી રથમાં પણ ચેકીંગ કરાવતા ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે. જોકે પાલિકાએ હોમ ક્વૉરન્ટાઇન કરી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.