

ભરતસિંહ વાઢેર, વાપી : ઓદ્યોગિક નગરી વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં જૂન 2018માં એક અવાવરી જગ્યાએ એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. લાશની ઓળખ ન થાય તે માટે તેના ચહેરાને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો. ત્યારે પોલીસ માટે હત્યા નો કોયડો ઉકેલવો ભારે મુશ્કેલ બન્યો હતો. પોલીસે બાતમીદારોની મદદથી લાંબી મહેનતે આ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી હતી. મૃતક યુવાનનું નામ પંકજ રાવ હોવાનો ખુલાસો થયો હતો અને બિહારનો રહેવાસી પંકજ વાપીમાં ભંગારનો ધંધો કરતો હતો. રહસ્યમય અવસ્થા માં મળી આવેલ પંકજની લાશની ઓળખ બાદ પણ લાંબા સમય સુધી ડુંગરા પોલીસ ખૂની સુધી પહોંચી શકી ન હતી. બાદમાં આ કેસ વલસાડ એલ સી બી ને સોંપવામાં આવ્યો હતો. ત્યારે અઢી વર્ષ બાદ અંતે વલસાડ એલ સી બી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે આરોપી ની ધરપકડ કરી લીધી છે.


મૃતક પંકજ રાવ અને મુખ્ય હત્યારો સિનટૂ યાદવ મૂળ બિહાર ના જ છે. વાપી ખાતે રોજગારી મેળવવા સાથે આવેલ પંકજે ભંગારના ધંધા માટે 70 હજાર રૂપિયા સિનટૂ યાદવ પાસે ઉછીના માંગ્યા હતા. આ રૂપિયાના કારણે જ પંકજે ધંધામાં સફળતા મેળવી હતી. સિનટૂ યાદવે પોતાના રૂપિયાના બદલામાં ધંધામાં ભાગીદારી માંગી હતીય પંકજે તેના રૂપિયા પાછા આપી તેના ધંધામાં ભાગીદારી નહીં પણ માત્ર નોકરી આપવાની વાત કરી હતી. મિત્રને ધંધામાં થયેલ નફામાં ભાગ આપવાના બદલે માત્ર પગાર આપી અને ભાગીદારને બદલે નોકર ગણ્યો હતો. આ વાતને મનમાં જ રાખી સિનટૂ યાદવએ યોગ્ય મોકાની તલાસ માં હતો.


તે દરમિયાન સિનટૂ યાદવએ મનોજ હરિલાલને પંકજની હત્યાના કાવતરામાં સામેલ કર્યો હતો. આમ સિનટૂ અને મનોજે સાથે મળીને પંકજ ને લૂંટવાનો અને તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તક મળતા જ જૂન 2018માં એક દિવસે પંકજને વાપીના રાતા ગામે આવેલ એક અવાવરી જગાએ બોલાવી તેની હત્યા કરી નાખી હતી અને લાશની ઓળખ ન થાય તે માટે બાઈકમાંથી પેટ્રોલ કાઢી પંકજના ચહેરાને પણ સળગાવી દીધો હતો.