પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે એક એક પરિવાર દ્વારા ખૂબ જ ઉત્તમ સેવા આપવામાં આવી છે.સુરતના એક મુસ્લિમ પરિવારમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવતા લાખોનું બિલ થયું હતું. જેમાંથી પ્રેરણા લઈ ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને રૂપિયાના આભાવે મુશ્કેલી ન પડે માટે ટૂંક સમયમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરી સુરત મનપાને સમર્પિત કરી છે. જેનું લોકાર્પણ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલમાં હસ્તક કરવામાં આવ્યું હતું.
સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ પરિવાર કોરોનાની ચપેટમાં આવ્યો હતો. તેઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા હતા પરંતુ આ દરમિયાન તેમને હ્યદયમાં એક એવી બાબત લાગી આવી કે જેથી તેમને લોકોના સેવાકીય કાર્ય માટે 84 બેડની હોસ્પિટલ તૈયાર કરી નાખી. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં ધનમોરા પાસે હીબા કોવિડ હોસ્પિટલ તૈયાર કરી મનપાને સોંપવામાં આવી છે.
સુરતના મુસ્લિમ સમાજમાં આગવું સ્થાન ધરાવનાર કાદર શેખ અને તેમના સગા ભાઈ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમના ભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી હતી અને હોસ્પિટલનું બિલ 12 લાખ રૂપિયા થયું હતું. રૂપિયા તો ભરાઈ ગયા. આ પછી વિચાર આવ્યો કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આટલી મોંઘી સારવાર કઈ રીતે લઈ શકે. જેને લઈ કાદર શેખ અને તેમના ભાઈ નેગેટિવ આવ્યા પછી તાત્કાલિક સેવાકીય કાર્ય માટે કોવિડ હોસ્પિટલ તૈયાર કરી મનપાને સોંપવાનો વિચાર કર્યો હતો.
અધ્યતન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં કુલ 84 બેડ છે. 74 બેડ ઉપર ઓક્સિજનની પાઈપવાળી ઉપરાંત 10 બેડ આઈસીયુ-વેન્ટીલેટરની સુવિધા સાથે ઉપલબ્ધ કરાયા છે. હોસ્પિટલની સમગ્ર કામગીરી માત્ર 20 દિવસમાં પૂરી કરવામાં આવી છે. પીપીપી અંતર્ગત પાર પાડવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના કોવિડ દર્દીઓની સારવાર કરી તેમને સ્વસ્થ કરવાનો જ છે.