ગુજરાતના (Gujarat) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (Statue of Unity) કારણે આખા વિશ્વમાં કેવડિયાને (kevadia) ઓળખ મળી છે. આ વિસ્તારનો મોટોભાગ જંગલો અને લીલોત્તરીથી છવાયેલો છે. આ જગ્યા તેની કુદરતી સુંદરતાને કારણે પણ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ બની છે. હવે પીએમ મોદીએ (PM Narendra Modi) પર્યાવરણ દિવસે (Environment Day 2021) કેવડિયાને એક નવું નજરાણું આપવાનું આહ્વાન કર્યું છે. કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર (Electric Vehicle city) બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે. પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને PM નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરી હતી.
પર્યાવરણ દિવસ નિમિત્તે સંબોધનમાં દેશની પહેલી ઈલેક્ટ્રિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે. મહત્ત્વનું છે કે, આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.