પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : તાલીમાર્થી સફાઇ કામદારો, બેલદારોની કથિત રીતે મનસ્વી બદલીના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ડો. બાબાસાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન અને અખિલ ભારતીય સફાઇ કામદાર યુનિયનની આગેવાનીમાં સફાઇ કામદારો દ્વારા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફને રજૂઆત કરવામાં આવી રહી હતી.
આજે પણ યુનિયનોના અગ્રણીઓના નેજા હેઠળ સફાઇ કામદારો દ્વારા ઝોનમાં રજૂઆત કરવામાં આવી હતી. ડો. શ્રોફ દ્વારા વારંવારની રજૂઆત દ્વારા કેટલીક બદલીઓ રદ ન કરાતા યુનિયનોના અગ્રણીઓ ઓફિસમાં જ ધરણાં પર બેસી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ ધરણાં પર બેસેલા અગ્રણીઓ, કામદારો પૈકી એક વ્યક્તિ દ્વારા ડો. શ્રોફ પર સ્યાહીં ફેકવામાં આવી હતી. જે મામલાના ગંભીરતાથી લઈ મનપા કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ કરાવવાના આદેશ આપ્યા છે .
ઝોનના નાયબ આરોગ્ય અધિકારી પર સ્યાહીં ફેકવાની ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઝોન દ્વારા પોલીસ બોલાવવાની તજવીજ હાથ ધરાતા રજૂઆત કરવા આવેલ યુનિયનના આગેવાનો અને સફાઇ કામદારો ત્યાંથી નીકળી ગયા હતા. યુનિયનના આક્ષેપ મુજબ ડો. શ્રોફ દ્વારા મનસ્વી રીતે તાલીમાર્થી સફાઇ કામદારોની બદલી કરવામાં આવી રહી છે. આ અંગે યુનિયન દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ ડો. શ્રોફ દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. કામદાર અને યુનિયનોના અગ્રણી દ્વારા ઝોન ઓફિસમાં જ કરવામાં આવેલ સૂત્રોચ્ચાર તથા ડો. શ્રોફ પર સ્યાહીં ફેકવાની ઘટનામાં તંત્ર દ્વારા પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.