ભરતસિંહ વાઢેર, દમણ : રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં આવેલી 6 હજારથી વધુ કંપનીઓના ભંગારનો વ્યવસાય હવે ઓનલાઇન કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રશાસનના ઐતિહાસિક નિર્ણયને કારણે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના હજારો ઉદ્યોગો આ નિર્ણયને આવકારી રહ્યા છે. ભંગારના વ્યવસાયમાં દર વર્ષે અંદરખાને હજારો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થતું અને કેટલાક ગણ્યા ગાંઠ્યા અને માથાભારે અને વગદાર લોકોનું જ આધિપત્ય રહેતું હતું. જેને કારણે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું હતું. જોકે હવે આ સામાન્ય લાગતો વ્યવસાય ઓનલાઇન થતાં કંપની સંચાલકોમાં ઉત્સાહનો માહોલ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ એક નાનકડો કેન્દ્રશાસિત પ્રદેશ છે. જે ભૌગોલિક રીતે ખુબ નાનો છે પરંતુ આ અહીં નાના-મોટા 6000થી વધુ ઉદ્યોગ-ધંધા ધમધમે છે. જેમાં દર વર્ષે અબજો રૂપિયાનું ટર્નઓવર થાય છે. આથી આ નાનકડા પ્રદેશમાં પણ ઉદ્યોગ ધંધા મોટાપાયે વિકાસ થયેલો છે. આપને જાણીને નવાઈ લાગશે કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં દર વર્ષે અહીંની નાની મોટી 6000 થી વધુ કંપનીઓમાંથી હજારો કરોડ રૂપિયાના લોખંડ પ્લાસ્ટિક સહિતના અન્ય ભંગાર નીકળતા હોય છે. અત્યાર સુધી કંપનીઓમાંથી ભંગારનો સામાન ઉઠાવવા માટે કેટલાક ગણ્યાગાંઠ્યા મોટા માથાઓ અને માથાભારે લોકોનો જ હાથ હતો. અહીંની કંપનીઓમાં કેટલાક વગદાર લોકો જ કંપની સંચાલકોને સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવીને ભંગાર લઈ લેતા હતા. કંપનીના સંચાલકોએ પણ દબાણનો ભોગ બની અને ખોટ ખાઇને પણ માથાભારે લોકોને ભંગાર આપવા મજબૂર થવું પડ્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં પ્રદેશમાં અનેક રીતે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. પ્રદેશમાં વિકાસને વેગ મળી રહ્યો છે.
આ વાત પ્રશાસક પ્રફુલ પટેલના ધ્યાનમાં આવતા તેમણે પ્રદેશમાંથી ભંગારના વ્યવસાયમાં ચાલતા દુષણને ડામવા ભંગારનો વ્યવસાય હવે ઓનલાઇન કરી દીધો છે જે અંતર્ગત પ્રદેશની નાની-મોટી 6000થી વધુ કંપનીઓમાંથી નીકળતા ભંગારનો સામાન હવે આ કંપનીઓ ઓનલાઇન વેચવા માટે કાઢે છે. આથી અત્યાર સુધી ગણતરીમાં નહીં આવતું અને અમુક લોકોના જ હાથમાં રહેલો ભંગારનો વ્યવસાય હવે સાર્વજનિક અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવતા તેનો વહીવટ પણ પારદર્શી થયો છે. પ્રદેશના પ્રશાસનને પણ તેનો મોટો લાભ મળી રહ્યો હોવાનું પ્રદેશ પ્રશાસન માની રહ્યું છે. સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીનાની 6000થી વધુ કંપનીઓમાંથી નીકળતો હજારો કરોડનો ભંગારનો ધંધો અત્યાર સુધી મોટેભાગે બિનહિસાબી હતો. અને ગણ્યાગાંઠ્યા લોકોના જ હાથમાં હોવાથી રોજગારી પણ અમુક લોકોના જ હાજમાં હતી.જેથી તે લોકો મસલ પાવર થી કંપનીઓમાંથી ધાક-ધમકી અને દબાણ આપીને ભંગાર પડાવવામાં આવતો હોવાનું ખુદ પ્રશાસન જણાવે છે. હવે કંપનીઓ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાનો ભંગારનો સામાન ઓનલાઇન વેચવા કાઢી શકે છે અને જેના કારણે કંપનીઓને પણ મોટો ફાયદો થઇ રહ્યો છે. કંપનીઓને પણ હવે અગાઉ દબાણ અનુભવ સહન કરવું પડતું હતું તેમાંથી પણ મુક્તિ મળી છે. પ્રશાસક પ્રફુલ પટેલના નિર્ણયને ઉદ્યોગપતિઓ ઉત્સાહપૂર્વક આવકારી રહ્યા છે. પ્રદેશ પ્રશાસનના ભંગારના વ્યવસાયને ઓનલાઇન કરવાના પ્રયાસ ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ હોવાનું માની પ્રશાસકનો આભાર માની રહ્યા છે.
ભંગારનો વ્યવસાય ઓનલાઇન થાય બાદ હવે જો કોઈ માથાભારે માણસ કે કોઈ વ્યક્તિ પ્રદેશની કંપની કે સંચાલકોને દબાવી અને ધાક-ધમકીથી અગાઉની જેમ ભંગાર ઉઠાવવાનો પ્રયાસ કરશે તો તેમના વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે તેવી ચીમકી પણ પ્રદેશ પ્રશાસકે ઉચ્ચારી છે. આમાં નાનકડા પ્રદેશમાં હજારો કરોડનો વ્યવસાય હવે પારદર્શી અને ઓનલાઈન થતાં અનેક રીતે ફાયદાકારક નીવડી રહ્યો છે. આ વ્યવસાય પારદર્શક અને ઓનલાઈન થતાં સરકારને નવી આવક પણ ઊભી થઈ છે. ભંગાર વ્યવસાયને ઓનલાઇન થયાને હજુ એક મહિનાનો સમય થયો છે પરંતુ એક મહિનામાં કંપનીઓમાંથી નીકળતા ભંગારના વ્યવસાયનું ટર્નઓવર 4 હજાર ટનને પાર કરી ચૂકયુ છે. આનો સૌથી મોટો લાભ કંપની સંચાલકોને મળી રહ્યો છે. ઓનલાઈન ભંગારના વ્યવસાયમાં રાખવામાં આવેલી શરતો અને જોગવાઈઓને કારણે ઓનલાઇન વ્યવસાયમાં કંપની સંચાલકોને કિંમત પણ એડવાન્સમાં જ મળી રહેતી હોવાને કારણે હવે કોઇપણ કંપનીના ભંગારના પૈસા ક્યાંય અટવાતા નથી. કંપની સંચાલકોમાં આ નિર્ણયને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે નાનકડા પ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને દમણમાં નાની મોટી 6000થી વધુ કંપનીઓમાં હવે ભંગારનો વ્યવસાય ઓનલાઇન અને પારદર્શક થતાં સરકારને મોટી આવક ઊભી થઈ છે. સાથે જ ભંગારના વ્યવસાયમાં પ્રવર્તતા દુષણો ને ડામવામાં પણ સફળતા મળી છે સાથે ગુનાખોરીનું પ્રમાણ ઘટી પણ ગયું છે અને રોજગારીના પણ નવા અવસર ઊભા થયા છે. આવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્યની નાની મોટી હજારો કંપનીઓમાંથી નીકળતા ભંગારના વ્યવસાયને પણ સાર્વજનિક અને આવી રીતે પારદર્શક રીતે ઓનલાઇન કરવામાં આવે તો અત્યાર સુધી ગણતરીમાં નહીં આવતો અને અંદરખાને ચાલતો વ્યવસાય ઓનલાઇન થતા સરકારને આવક ઊભી થશે. આ ઉપરાંત ગુનાખોરીનું પ્રમાણ ઘટશે અને રોજગારીના અવસરમાં પણ વધારો થશે તેવું મનાઈ રહ્યું છે.