

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. છેલ્લા 12 કલાકમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સેન્ટ્રલ ઝોનના હોડી બંગલા, સૈયદપુરા પંપિંગ સ્ટેશન, રામપુરા ચોક બજાર ચાર રસ્તા, કાદરશાની નાળ, નવસારી બજાર સહિતના વિસ્તારોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસાદને પગલે નોકરી ધંધે જનારા લોકો અટવાયા હતા.


હવામાન વિભાગ દ્વારા ચાલુ સપ્તાહમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત મોડી રાત્રીથી મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઇ છે. સુરત મનપા ફલડ કંટ્રોલ પાસેથી મળતી વિગતો અનુસાર ગુરુવારે રાત્રે બાર વાગ્યાથી શુક્રવારે સવારે દસ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.


ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 67 મી.મી વરસાદ પડ્યો હતો. જ્યારે રાંદેર ઝોનમાં 58 મી.મી, કતારગામમાં પોણા ત્રણ ઈંચ, વરાછા એ ઝોનમાં બે ઈંચ, વરાછા બી ઝોનમાં 45 મીમી, ઉધનામાં 39 મીમી, અઠવામાં 45 મીમી અને લિંબાયતમાં 44 મી.મી વરસાદ પડ્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા