કેતન પટેલ, બારડોલી: ગુજરાત (Gujarat weather news) રાજ્ય અડીને આવેલ નંદુરબાર (hailstorm in Nandubar) જિલ્લાના શહાદા તાલુકામા કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. હવામાન વિભાગે નંદુરબાર જિલ્લામાં 7થી 9 માર્ચની વચ્ચે કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી હતી. માવઠા સાથે વીજળી પડતા બોરસલે ગામના ખેતરમાં કામ કરતી યુવતીનું મોત નીપજ્યુ હતુ.
શહાદા તાલુકાના મલગાવ, વડાળી, બામખેડા વિસ્તારમાં સોમવારે અને મંગળવારે કરા અને કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, ચણા અને જુવારના પાકને ભારે નુકસાન થયું છે. સમગ્ર જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે જેના કારણે શાકભાજીના પાકને અસર થવાની ધારણા છે. હવામાન વિભાગે 9 માર્ચ સુધી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી ખેડૂતોએ તેમની ખેત પેદાશોની કાળજી લેવાની જરૂર છે.
રાજ્યના હવામાનની વાત કરીએ તો, આગાહી અનુસાર, 10 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે. ત્યારે સાપુતારામાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ થયો હતો.
આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
હવામાન ખાતાની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.