નર્મદા: ચોમાસામાં (Monsoon) ગુજરાતનાં (Gujarat) એવા ઘણાં સ્થળો હોય છે જ્યાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલે છે. જો તમારે વીકએન્ડમાં ક્યાંય ફરવા (Travel) જવું હોય તો અહીંયા ઘણો જ સુંદર વિકલ્પ છે. નર્મદા (Narmada) જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો નિનાઈ ધોધ (Ninai waterfall) અને ઝરવાણી ધોધ (Zarwani waterfall). ડેડિયાપાડામાં આ મોસમમાં વરસાદ સારો એવો પળ્યો છે. જેના કારણે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. જેથી નિનાઈ અને ઝરવાણી ધોધ પ્રવાસીઓ માટેનું આકર્ષણ બન્યા છે. તો ચોમાસાનાં કોઇપણ વીકએન્ડમાં તમે અહીંની મજા માણી શકો છો.
હાલ ચોમાસાને કારણે જિલ્લાનું સૌથી વધુ આકર્ષણ નીનાઈ ધોધ બન્યું છે. અહીંયા વન વિભાગ દ્વારા આવનાર પ્રવાસીઓને ઓનલાઇન બુકિંગથી લઇને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પ્રવાસીઓની સેવામાં વન વિભાગ નીનાઈ ધોધ સગાઈ રેન્જ ખાતે કર્મચારીઓ અને વન સમિતિના લોકો તૈયાર છે. નિનાઈ ધોધની મનમોહક સુંદરતાને માણવા આવતા પ્રવાસીઓને ત્યાં જવામાં ક્યારેક થોડી તકલીફ પણ પડતી હોય છે. પરંતુ જો તમે એડવેન્ચરનાં શોખીન હશો તો તમને અહીં મઝા આવશે. અહીં પ્રકૃતિના ખોળે ધોધમાં સ્નાન કરવાનો પણ લ્હાવો છે. જોકે ઘણીવાર અણબનાવ બનાતા કેટલાક પ્રવાસીઓના જીવ પણ ગયા છે જેથી સ્થાનિક પ્રશાસન લોકોને ધોધમાં ન નહાવાનો આગ્રહ કરે છે. જંગલ વચ્ચે વેરાન વિસ્તામાં આવેલા આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો સુંદર છે.
<br />નિનાઈ અને ઝરવાણી ધોધ જવાનું વિચારતા હોવ તો તેની આસપાસ પણ અનેક જોવાલાયક સ્થળો છે. જેમકે શૂલપાણેશ્વર મંદિર, શૂલપાણેશ્વર અભયારણ, રાજપીપળામાં આવેલું હરસિદ્ધ મંદિર, રાજપીપળાનો રાજવંત પેલે, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ, ઝરવાણી ધોધ અને દુનિયામાં ખ્યાતી મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર પણ તમે આનંદ માણી શકો છો.