ભરતસિંહ વાઢેર, દમણ : હાલ રાજ્યમાં કાળઝાળ (Gujarat heatwave) ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પણ વટાવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓએ દમણની (Daman) વાટ પકડી છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. જેના (Daman as mini Goa) કારણે 2 વર્ષથી ઠપ્પ પડેલા દમણના હોટેલ અને પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળી રહ્યો છે.
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે. દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે અને દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આથી દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે.
પર્યટકોને આકર્ષવા માટે દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. સાથે જ પ્રદેશમાં દારૂની પણ છૂટ હોવાથી મોટી સંખ્યામાં શોખીનો દર વર્ષે દમણની મુલાકાત લે છે. ત્યારે દમણમાં સમર વેકેશનમાં હાલ અમદાવાદ ,વડોદરા ,સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા છે.
તો છેલ્લા 2 વર્ષથી સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. કોરોનાને કારણે સાત મહિનાથી દમણના પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા હતા આથી મોટેભાગે પર્યટન પર જ નિર્ભર આ પ્રદેશના હોટલ ઉદ્યોગ અને અન્ય સંબંધિત ઉદ્યોગ પણ મુશ્કેલીમાં હતો. જોકે આ વખતે ફરી એક વખત આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે અને ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો ફરી એક વખત આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે.