3 માર્ચનાં રોજ નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે (Nitin Patel) ગુજરાત સરકારનું બજેટ (Gujarat Budget) રજૂ કર્યું હતું. જેમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં ડાંગ (Dang) જિલ્લાને રાસાયણિક ખાતરથી ખેતીથી (Farming) મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ ભાષણમાં જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને (Farmer) પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. 10 હજાર તથા બીજા વર્ષે રૂ. 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્તવનું છે કે, સિક્કિમ (Sikkim) રાજ્ય વર્ષ 2016થી ઓર્ગેનિક રાજ્ય છે. સિક્કિમ દેશમાંજ નહીં પરંતુ વિશ્વમાં સૌપ્રથમ 100 ટકા કાર્બનિક રાજ્ય બન્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ તરફ વળી રહી છે.
આપને જણાવીએ કે, સિક્કિમની બધી ખેતીની જમીન પ્રમાણિત ઓર્ગેનિક એટ્લે કે કાર્બનિક છે. રાજ્યમાં 2010માં સિક્કિમ ઓર્ગેનિક મિશનની શરૂઆત સાથે સિક્કિમને 100 ટકા કાર્બનિક રાજ્યમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી અને 2015માં, સમગ્ર કૃષિ ક્ષેત્ર પ્રમાણિત કાર્બનિકમાં ફેરવાયો હતો અને અંતે 2016માં રાજ્યને 100 ટકા કાર્બનિક રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં રાસાયણિક જંતુનાશકોના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નવી કાર્બનિક છબીથી સિક્કિમના પર્યટન ક્ષેત્રને પણ ઘણો ફાયદો થયો. પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. સ્થાનિક અધિકારીઓએ વન્યપ્રાણીસૃષ્ટિ અને મધમાખીની વસતી વધારવામાં સફળતાનો અનુભવ કર્યો.