સુરત: રાજ્યમાં આગનો વધુ એક બનાવ (Fire incident) બન્યો છે. આ વખતે સુરત જિલ્લાના બારડોલી (Bardoli)ના એક ગોડાઉનમાં આગ લાગી છે. જોકે, સદનસિબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી પ્રમાણે બંધ ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનની દીવાલ જેસીબી મશીનથી તોડવી પડી હતી. આગ પર કાબૂ મેળવવા માટે જેસીબી મશીનથી દીવાલ તોડવી પડી હતી. આગ પર કાબૂ મેળવતા પાંચ કલાક જેટલો સમય લાગી ગયો હતો. ફાયર ઑફિસરના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે 2.30 વાગ્યે ફાયરનો કૉલ પડ્યો હતો.
સામે આવેલી વિગત પ્રમાણે જોળવા ગામ (Jolva village) ખાતે સુરભી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Surbhi Industrial estate) વિસ્તારમાં આગ લાગી હતી. આગ વહેલી સવારે લાગી હતી. આગ બાદ બારડોલી, PEPL, કામરેજ ERCની ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એવી વિગતો સાંપડી છે કે ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં આવેલા ગોડાઉન માલિકે કરી હતી.
ફાયર અધિકારીએ શું કહ્યું? : આ મામલે ફાયર ઑફિસર વિજયકાંત તિવારીએ જણાવ્યુ હતુ કે, "બારડોલી મહાનગર પાલિકામાં એક ફાયર કૉલ મળ્યો હતો. કડોદરા અને કામરેજથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. સુરભી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ખાલી પ્લોટમાં 30*60નો એક ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. અંદર માલ ભર્યો હતો. આગ કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી. બારડોલીમાં બેથી અઢી વાગ્યે ફાયર કૉલ મળ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે જેસીબી મશીનથી દીવાલ તોડવામાં આવી હતી. ગોડાઉનનો માલિક હજુ સુધી ઘટનાસ્થળે આવ્યો નથી."