પ્રજ્ઞેસ વ્યાસ, સુરત: સુરત શહેરમાં ઘણા કુટુંબોમાં ઘરના બધા જ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં એક કુટુંબ કે જેના સાત સભ્યોએ કોરોનાને મ્હાત આપી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને દોઢ વર્ષથી અડાજણ વિસ્તારમાં રહેતા આરાધ્યે પરિવાર પણ કોરોના સંક્રમિત થયો હતો. આ પરિવારનો સૌથી નાનો 4 માસનો દીકરો શિવાંશ અને વરિષ્ઠ 83 વર્ષીય દાદી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા. પૂરતી સારવાર સાથે તેઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. પરિવાર કોરોનામુક્ત થતા પરિવારમાં ખુશી છવાઈ હતી.
આરાધ્યે પરિવારના સંદિપ આરાધ્યે જણાવ્યું હતું કે પરિવારના તમામ સભ્યોને ખાંસી, શરદી, તાવ આવતો હતો જેથી 17 ઓગસ્ટે અડાજણના પીએચ.સી. સેન્ટરમાં પરિવારના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ કઢાવતા સાત સભ્યો પોઝિટિવ આવ્યાં હતા. જેમાં ચાર માસના શિવાંશ અને 83 વર્ષિય દાદી પણ પોઝિટિ આવ્યાં હતા. શરૂઆતમાં અમે બધા ડરી ગયા હતા. પરંતુ તબીબોની સલાહથી હોમ કવોરન્ટાઇન થઈ સારવાર લેવાનું નક્કી કર્યું હતું. અમારા દાદીની તબિયત વધુ બગડતા 19મી ઓગષ્ટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જયાંથી મહાવીર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. સાત દિવસની સારવાર બાદ 25મી ઓગસ્ટે મારા દાદીને મહાવીર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ દાદીની 27મી ઓગસ્ટે ફરી તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એમનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા એટલે હતાશ થઈ ગયા હતા.
સંદિપભાઈએ કહ્યું હતું કે એક બાજુ મારા 4 માસના દીકરાને કોરોનાનું સંક્રમણ હતું અને બીજી બાજુ દાદીની તબિયત પણ સારી ન હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની મહેનતથી દાદીએ કોરોને મ્હાત આપી છે. 6 સપ્ટેમ્બરે દાદીનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાદી 20 દિવસની સારવારમાં અને બાકીના સભ્યોએ 14 દિવસ હોમ કવોરન્ટાઇન થઇ કોરોને મ્હાત આપી છે. દાદીને નવું નવજીવન આપનારા સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ છીએ.
83 વર્ષિય કોરોના મુક્ત થયેલા દાદી રૂકમણિબહે જણાવ્યું કે હતું કે મોટી ઉંમરે કોરોના થતા ડર તો લાગતો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોકટર, તબીબોની સતત દેખભાળ અને સારવારના કારણે સ્વસ્થ થઈ છું. મારા દાંત પડી ગયા છે એટલે હું લિક્વીડ પર જ રહું છું. તબીબો મને આશ્વાસન આપતા કહેતા કે માજી, તમારાથી કોરોના હારી જશે. તમે જલ્દી સાજા થઇ જશો. તબીબોની મહેનતથી 6 સપ્ટેમ્બરે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને કોરોના સામે વિજયી બની છું. સિવિલના તબીબોના મહેનતનું પરિણામ છે. પાછી ઘરે આવી છું અને મારા પરિવારના તમામ સભ્યો પણ કોરોનામુક્ત થયા છે. જેથી ખુશીની લાગણી અનુભવું છું. સિવિલના ભગવાન સમાન ડોક્ટરોની આભારી છું. નવી સિવિલના નોડલ ઓફિસર ડો.વિવેક ગર્ગ અને ડો. અજય પરમારની ટીમના તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમના સફળ ઉપચારથી 83 વર્ષના વયોવૃધ્ધ રુકમણિબેન આરાધ્યે 20 દિવસની સારવારમાં 15 દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને મ્હાત આપી છે.