બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ સિટીમાં ટી આર બી તરીકે ફરજ બજાવતી એક મહિલા કર્મચારીને છેલ્લા કેટલાક સમયથી એક વ્યક્તિ આર્મીમેન હોવાની ઓળખ આપી તેનો અવારનવાર પીછો કરતો હતો. પોતે પોતાના પરિવાર સાથે આવ્યો હોવાથી અને પાકીટ ખોવાઈ ગયું છે આવું બહાનું બતાવીને તેની પાસેથી રૂપિયાની મદદ માંગતો હતો. આથી આ મહિલા ટીઆરબી કર્મચારીએ મદદ પણ કરી હતી. જોકે પોતાને આર્મી મેન તરીકે ઓળખ આપતા આ વ્યક્તિએ વલસાડ સિટીની અન્ય એક મહિલા ટી આર બી કર્મચારીને ધમકી આપી હતી કે તે વ્યવસ્થિત ડ્યુટી નથી કરતી તેવી બહાનું બતાવીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ગયો હતો.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને 25 જાટ બટાલિયનમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે તેવી વાત કહી હતી. તે હરિયાણાના રોહતકમાં રહેતા વિહાન રુદ્રનાથ શેરગલ તરીકેની ઓળખ આપી પોલીસ સ્ટેશનના મહિલા ટીઆરબી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ગયો હતો. જોકે પોલીસે તેની પાસેથી આર્મીમેન તરીકેના ઓળખ પુરાવા અને આઈકાર્ડ માગતા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. પોતે આર્મીમાં હોવાના કોઈ પણ આધાર પુરાવો રજૂ નહીં કરી શકતા પોલીસને શક જતા આગવી ઢબે પુછપરછ કરતા આ વ્યક્તિ નકલી આર્મીમેન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ આગવી ઢબે પૂછપરછ કરતા વ્યક્તિનું સાચું નામ તરુણ અશોકભાઈ ગોસ્વામી મૂળ મહેસાણા મોઢેરા રોડ પર આવેલી લકી પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. તેની પાસે કોઈ કામ ધંધો નહીં હોવાથી તે આવી રીતે અવારનવાર પોલીસ અને આર્મી મેન તરીકેની ઓળખ આપી અને તેવો વેશ ધારણ કરી મદદ કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો
આ અગાઉ પણ અનેક વખત આવી રીતે તે લોકો સાથે ઠગાઇ કરી ચૂક્યા છે. આર્મીનો યુનિફોર્મ પહેર્યો હોવાથી લોકો તેને માન-સન્માન સાથે દિલ ખોલીને મદદ પણ કરતા હતા. આરોપી વિરુદ્ધ વાપીમાં પણ નકલી પોલીસ તરીકે ઓળખ આપી અને ગુનો નોધાયો હોવાનું બહાર આવી ચૂક્યું છે. આ વખતે વલસાડની મહિલા ટીઆરબી કર્મચારીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા જતા નકલી આર્મી મેનનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. રાજ્યમાં અન્ય કેટલી જગ્યાએ તેણે આર્મીમેન અને પોલીસ તરીકેની ઓળખ આપી લોકોની સાથે ઠગાઇ કરી છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.