બે વર્ષ બાદ હોળી ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવવામાં આવ્યો છે. જો કે આ રંગોનો પર્વ અનેક પરિવારોમાં માતમ લઈને આવ્યો છે. ગુજરાતનાં જુદા-જુદા ભાગમાં ધૂળેટીનો પર્વ મનાવ્યા બાદ ન્હાવા પડેલા અનેક લોકો તણાયા હોવાના બનાવો સામે આવ્યા છે. જે પૈકી 12 કરતાં વધુ લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે, તો કેટલાકની શોધખોળ ચાલી રહી છે
<br />ભાણવડ ત્રિવેણી સંગમમાં 5 તણાયા- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શુક્રવારે હોળી રમીને ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ન્હાવા પડેલા 5 કિશોરો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હોળી રમ્યા બાદ 5 મિત્રો ત્રિવેણી નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક પછી એક 5 કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ જીતભાઈ કવા, હિમાંશુ રાઠોડ, ભૂપેન બગડા, ધવલ ચંડેગરા અને હિતાર્થ ગોસ્વામી તરીકે થઈ છે. એક સાથે 5 કિશોરોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ભાણવડ પંથકમાં ગમગીની છવાઈ છે.
નડિયાદ નજીક ઝારોલના 2 પરિવારોમાં માતમ છવાયો- ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ વસો તાલુકા ઝારોલ ગામમાં આજે ધૂળેટીના પર્વને લઇ ગામમાં આવેલ તળાવમાં બે કિશોરો ન્હાવા પડ્યા હતા. જોકે ન્હાવા પડેલ કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોતને ભેટ્યા હતા. બન્ને કિશોરની ઓળખ 15 વર્ષનાં પ્રિતેશ સોલંકી અને 14 વર્ષનાં સાગર સોલંકી તરીકે થઈ છે. હાલ તો પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠમાં ધૂળેટી બાદ ન્હાવા પડેલો યુવક ડૂબ્યો- આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામમાં ધૂળેટીના પર્વ બાદ મહીસાગર નદીમાં ન્હાવા પડેલો યુવક તણાયો હતો. આ બાબતની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળના અંતે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. મૃતક આણંદનો હોવાનું માલૂમ પડ્યું છે, હાલ તો ખંભળોજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા નદી પર ખોદેલા ખાડામાં 2 યુવાનો ડૂબ્યા- નર્મદા જિલ્લાના શુક્લતીર્થ ગામે પણ નદી પર લીઝ ધારકો દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે યુવાનો ડૂબ્યા હતા. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, લીઝ ધારકો દ્વારા ખોદેલા ખાડામાં અત્યાર સુધી અનેક યુવાનો ડૂબીને મોતને ભેટી ચૂક્યા છે.