

કિર્તેશ પટેલ, સુરત : ઓલપાડમાં ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓલપાડના મંદરોઈ ગામમાં આવેલા ઝીંગા તળાવ પર સૌપ્રથમ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કાંઠા વિસ્તારોમાં સરકારી જમીનો પર બનાવાયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોના કારણે ખેડૂતોને ચોમાસા દરમિયાન ભારે તારાજીનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દબાણ દૂર કરવામાં અડચણ ઉભી કરનાર સામે સીધો લેન્ડ બેંક એક્ટ હેઠળ કાર્યવાહી થશે.


ઓલપાડ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર ઝીંગા તળાવ સામ્રાજ્ય ફેલાયેલું છે જેને લઇને ખેડૂતોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે. આ ઝીંગાના તળાવો સરકારી જમીન પર હોવાથી સુરત કલેક્ટરે લાલ આંખ કરી છે અને આ ગેરકાયદેસર જિંદા તળાવોને જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આજે ઓલપાડ ખાતે મંગળ ગામમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા મંદરોઈ ગામમાં જે સરકારી જમીન ફાળવવામાં આવી છે તે લાભાર્થીઓની સંખ્યા 63 છે. તે સિવાય તમામ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદેસર ઝીંગાના તળાવો બાંધી દેવામાં આવ્યા છે જેને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ ,ચોર્યાસી તથા મજુરા વિસ્તારમાં હજારો વીઘા જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઠોકી બેસાડવામાં આવ્યા હતા. જે સંર્દભે ડીઆઈએલઆર (જમીન માપણી અધિકારી) દ્વારા કરવામાં આવેલા માપણીમાં ઘટસ્ફોટ થતાં ખુદ વહીવટી તંત્ર ચોકી ઉઠ્યું હતું. હાલમાં જ ડીઆઈએલઆર વિભાગ દ્વારા ઓલપાડના 13 અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિર્પોટ કલેક્ટરને સુપરત કર્યો હતો. જેના આધારે ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોની ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.


ક્રમશઃ દાંડી, સરક, કુંદીયાણા, કપાસી, લવાછા, નેસ, ઓરમાં, કોબા, કુવાદ અને મોર સહિતના અન્ય ગામોમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીન દોસ્ત કરવામાં આવશે. આ દરમિયાન જે લોકો પોતાના ગેરકાયદેસર ઝીંગા તળાવોનું સ્વૈચ્છિક ડિમોલિશન કરશે તે સિવાયના તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.