

કેતન પટેલ, ડાંગ: 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Womens Day) ઉજવવામાં આવશે. તો આજે આપણે ગુજરાતના (Gujarat) નાનકડા ગામની એક એવી યુવતીની (Woman) વાત કરીએ, જે અન્ય મહિલાઓને સપના સાકાર કરવા માટે મહેનત કરવાની પ્રેરણા (inspirational story) આપે છે. જેમાં આદિવાસી અને પછાત ગણાતા ડાંગ (Dang) જિલ્લામાં રહી ને નાની ઉંમરે એક્ટ્રેસ અને નિર્દેશક તરીકે કારકિર્દી બનવનાર મોનાલીશા પટેલ (Monalisha Patel) અભિનય ક્ષેત્રમાં જવા માંગતી મહિલાએ માટે પ્રેરણારૂપ બની છે.


ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાનકડા આદિવાસી ગામ ચનખલથી માયાનગરી મુંબઈ સુધી પહોંચેલી 23 વર્ષીય મોનાલીશા પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે. બાળપણથી અભિનયનો શોખ અને તેમાં કારકિર્દી બનવવાનું સ્વપ્ન આજે ચનખલ ગામની મોનાને એક નવું નામ "મોનાલીશા પટેલ" આપ્યું છે. આજે ડાંગની આ યુવતી એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેકટર જેવી મલ્ટીપલ પર્સનાલિટી ધરાવે છે. મોનાલીસ પટેલ સાધન સુવિધાઓના અભાવ સાથે સંદેશા વ્યવહારની પણ મર્યાદાઓ હોવા છતાં ડાંગની આ યુવતીએ માયાનગરી મુંબઈમા પ્રવેશીને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કર્યું છે. આ યુવતીએ દુનિયાને દેખાડી દીધુ છે કે, જો તમારામા પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી નથી શકતી.


માત્ર ચાર વર્ષની ઉંમરે 'સાવલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમા ઉત્કૃષ્ટ અભિનય દેખાડ્યા બાદ 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ" મા પણ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે. 2006થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા કામ કરતા ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મો અને વિડીયો આલબમ્સમા પણ પોતાની અદાકારી દેખાડી છે.


વિશેષ કરીને ડાંગી ડાન્સ, આસામનુ બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનુ ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમા પણ નિપુણતા ધરાવતી આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમા રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમા રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ "સીનેવિદ્યા વર્કશોપ" ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે.


પોતાના ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલીસા પટેલ દ્રઢપણે માને છે કે, જીવનમા 'અભ્યાસ પ્રવાસ' નું ખૂબ જ મહત્વ રહેલુ છે. ગત સપ્તાહે જ અમદાવાદ ખાતે યોજાયેલા 'ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ' માં ભાગ લઈને આવેલી મોનાલીસા પટેલ મરાઠી ફિલ્મ "નાદ પ્રેમાચા" સહિત તેણીના હોમ પ્રોડકશનની આગામી ફિલ્મ "શમા"માં કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરી રહી છે. સાથે આગામી તા.10મી માર્ચે આમિર ખાનની આગામી ફિલ્મ "કોઈ જાને ના" નુ 'હરફન મૌલા...' સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે, જેમા પડદા પાછળની ડિરેક્શન ટીમમા પણ મોનાલિસા પટેલે તેની ક્રિએટિવિટી દેખાડી છે