પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત શહેરમાં 400 જેટલા રોડ વરસાદને કારણે ખરાબ થઇ ગયા હતા. જેને લઇને સુરત શહેર કોગ્રેસ દ્વારા આજરોજ ખાડા ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ મેયર જગ્દીશ પટેલના વોર્ડની આસપાસના વિસ્તારમાં પડેલા ખાડાને કોગ્રેસ દ્વારા ભરવામાં આવ્યા હતા , સાથે સાથે તેમાં વૃક્ષ પણ વાવણી કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ દ્વારા કોગ્રેસના 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
કોગ્રેસ દ્વારા મનપાની પ્રીમોન્સૂન નિષ્ફળ કામગીરી તથા રોડ બનાવવામાં યોગ્ય નિરીક્ષણને અભાવે ક્ષતિગ્રસ્ત બની ગયેલ રોડ પર પડેલ ખાડાઓના પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે કતારગામ દરવાજા ખાતે રોડ પર પડેલા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રોડ પર પડેલા ખાડામાં માટી નાખી પૂરવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ હાથ ધર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે 400થી વધુ માર્ગોના ધોવાણ થયા હતા અને રસ્તા ખરાબ થઇ ગયા હતા. જેથી માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સામાન્ય જનતા દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવ્યો હતો. જેથી મનપાના અધિકારીઓ પણ દોડતા થયા છે. મનપા કમિશ્નર દ્વારા પણ આ વિરોધને લઇને સાત દિવસમાં તમામ રોડ રીપેર કરવાની ખાત્રી આપી છે પરંતુ દિવસ દરમિયાન જે રસ્તા રીપેર થાય છે તેનાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ છે.