ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના (Valsad district)ધરમપુરમાં (Dharampur)હોમગાર્ડ યુનિટમાં (Homeguard)એક રંગીન મિજાજી અધિકારી મહિલા હોમગાર્ડ પાસે બિભત્સ માંગ કરી મહિલા હોમગાર્ડને પરેશાન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સારા પોઇન્ટ પર નોકરી આપવામાં અને નોકરી દરમિયાન સાચવવાના બદલે રંગીનમિજાજી અધિકારી મહિલા હોમગાર્ડ જવાનો પાસે બિભત્સ અને અશ્લીલ માંગણી કરી અને પરેશાન કરી મુકતો હતો. ત્યારે હિંમત કરી એક મહિલા હોમગાર્ડે આ રંગીનમિજાજી અધિકારીની પોલ ખોલતો ઓડિયો સબૂત સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં (Dharampur Police Station)ફરિયાદ દાખલ કરાવી છે. ધરમપુર પોલીસે રંગીન મિજાજી અધિકારીની શાન ઠેકાણે લાવવા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાએ કહ્યું હતું કે એવી ધમકી આપતા હતા કે હું તમને નોકરીમાં ખુશ રાખીશ, તમે મને ખુશ રાખો, નહી તો નોકરીમાંથી કાઢી મુકીશ.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધરમપુર તાલુકામાં હોમગાર્ડ યુનિટ આવેલું છે. પોલીસ જવાનોને સાથે સહાયરૂપ બનવા માટે હોમગાર્ડ જવાનોને વિવિધ પોઇન્ટ પર ટ્રાફિક સંકલન સહિતની જવાબદારીઓ સોંપવામાં આવે છે. જોકે આ હોમગાર્ડ જવાનો અને કર્મીઓ પર દેખરેખ હોમગાર્ડ યુનિટના ઉપરી અધિકારી રાખે છે. ધરમપુર હોમગાર્ડ યુનિટમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે સાજન ગાવિત નામના અધિકારી ફરજ બજાવે છે. જોકે સાજન ગાવિત એક રંગીનમિજાજી અધિકારીની છાપ ધરાવે છે. આ કમાંડીગ ઓફિસર તેમના તાબા હેઠળ કામ કરતી મહિલા હોમગાર્ડોને સારા પોઇન્ટ પર ડયૂટી સોંપવા અને તેમને નોકરી દરમિયાન સાચવવાના બદલામાં મહિલા હોમગાર્ડ પાસે બિભત્સ માંગ કરે છે. એક મહિલા હોમગાર્ડે હિંમત કરી હોમગાર્ડ કમાન્ડિંગ અધિકારી સાજન ગાવિત વિરુદ્ધ ઓડિયો પુરાવા સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ દાખલ થતાજ ધરમપુર પોલીસે હોમગાર્ડના કમાન્ડિંગ અધિકારી સાજન ગાવિતની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુર હોમગાર્ડ યુનિટમાં કુલ 102 હોમગાર્ડ કર્મચારીઓ છે. તેમાંથી 30 જેટલી મહિલા હોમગાર્ડ ફરજ બજાવે છે. આથી આ રંગીન મિજાજી હોમગાર્ડ અધિકારી સાજન ગાવિતે અત્યાર સુધી તેના હેઠળ કામ કરતી અનેક મહિલા હોમગાર્ડ પાસે આવી જ રીતે બિભત્સ અને અશ્લીલ માંગ કરી ચૂક્યો છે. જોકે મોટાભાગની મહિલા હોમગાર્ડ સમાજમાં ઈજ્જત જવાના ડરે કે નોકરી ખોવા ના ડરે અધિકારીની રંગીન વાતો સાંભળી અને ચૂપ રહેતી હતી. પરંતુ એક મહિલા હોમગાર્ડે હિંમત કરી અને તેમના જ કમાન્ડિંગ અધિકારીની અસલિયત સામે લાવવા ઓડિયો પુરાવા સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં અધિકારી સાજન ગાવિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ન્યાયની માંગ કરી છે. આમ હવે એક મહિલા હોમગાર્ડે હિંમત કરતા ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતી અન્ય મહિલા હોમગાર્ડ પણ સામે આવે રહી છે. આથી પોલીસ હવે ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતી અન્ય મહિલા હોમગાર્ડની પણ પૂછપરછ કરી અત્યાર સુધી કેટલી મહિલાઓ આ રંગીનમિજાજી અધિકારીના ત્રાસનો ભોગ બની ચૂકી છે? તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે. મહિલાઓને સમાજની સાથે કામના સ્થળે પણ શોષણનો ભોગ ન બનવું પડે તે માટે અનેક કાયદાઓ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. જોકે તેમ છતાં હજુ પણ સમાજમાં ભૂખ્યા વરું જેવા આવા રંગીન અધિકારીઓના ત્રાસ તેમના નીચે કામ કરતી મહિલા કર્મચારીઓએ કરવો પડી રહ્યો છે. કેટલીક મહિલાઓ નોકરી ખોવાના ડરે મૂંગા મોઢે આવા અધિકારીઓનો ત્રાસ સહન કરે છે અને આવા અધિકારીઓની કામવાસનાનો ભોગ બને છે. પરંતુ સમાજમાં એવી પણ મહિલાઓ છે જેઓ હિંમત કરી પોતાના પર થતાં અત્યાચારોને સામનો કરીને જવાબદારોને કાયદાનું ભાન કરાવવા માટે કાનુનનો સહારો લઇ અને આવા અધિકારીઓને સબક શીખવવા પોલીસ ફરિયાદ કરાવે છે.