પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત શહેરમાં આજે એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક ખાનગી ટયૂશન કલાસ ખાતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા હોવા છે. જે કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતો દેખાઇ રહ્યો હતો. આ વીડિયો ઉધના ગાયત્રી સોસાયટી ખાતે આવેલ સરસ્વતી ટયૂશન ક્લાસનો છે. જ્યાં એક દિવસ માટે વિદ્યાર્થીઓને 15 મિનિટ માટે બોલાવવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.
હાલમાં કોરોનાને કારણે જે છૂટછાટ આપવામાં આપવામાં આવી છે એ પણ મર્યાદિત છે. આવા સમયે સ્કૂલ અને ટયૂશન કલાસ હજુ ચાલું કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પ્રશાસન દ્વારા ખાનગી ટયૂશન કલાસિસના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે કોઇપણ સંજોગોમાં કલાસિસ ઘરે કે બહાર શરૂ કરવા નહીં, માત્ર ઓનલાઇન શિક્ષણ આપવું. આવામાં સુરત શહેરમાં ટયૂશન કલાસમાં ભણતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની તપાસ કરતા વીડિયો ઉધના ગાયત્રીનગર સોસાયટી ખાતે એક ઘરના પહેલા માળે બે રૂમમાં ચાલતા સરસ્વતી ટયૂશન કલાસનો છે.
વીડિયો સંદર્ભે ટયૂશન કલાસના સંચાલક રિંકેશ ખત્રીએ જણાવ્યું હતું કે હા તેમના કલાસનો જ વીડિયો છે. તેમણે પોતાનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી હતી અને જેથી તેમને મુંઝવતા પ્રશ્નો માટે માત્ર 30 મિનિટ માટે કલાસ ખોલ્યા હતા. બાકી લોકડાઉનના સમયથી કલાસ બંધ જ છે. માત્ર ચાર દિવસ પહેલા કલાસ ખોલ્યા હતા અને એક સ્થાનિક વ્યકિતએ રૂપિયાની માંગણી કરીને આ વીડિયો બનાવ્યો હતો. મારી કોઇ ભૂલ ન હતી તો રૂપિયા કેમ આપું. જેથી તેણે વીડિયો વાયરલ કર્યો હતો.
રિંકેશે વધુમાં જણાવ્યું હતું કે હું સ્વીકારૂં છું કે મારી ભૂલ થઇ ગઇ પરંતુ વિદ્યાર્થીઓની વિનંતી અને તેમની કારકિર્દી ન બગડે તે માટે ખાલી 15 મિનિટ તેમને બોલાવ્યા હતા. સાફ સફાઇ સહિતની કામગીરી કરી 30 મિનિટમાં કલાસ બંધ કરી દીધા હતા. મારી પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા અને મને બદનામ કરવા આ વીડિયો વાયરલ કરાયો છે.