કેતન પટેલ, બારડોલી: માનવ માત્રના જીવનમાંથી દુઃખ હરનારી અને ભક્તોની દશા સુધારનારી એવા માં દશામાંની મૂર્તિઓ તૈયાર કરતા મૂર્તિકારોની કોરોનાએ દશા બગાડી છે. બારડોલીના વૈજનાથ ખાતે 25 હજાર મૂર્તિઓ તૈયાર કરી વેચાણ કરતા વેપારીઓ આજે માંડ માંડ 2 હજાર મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે , ત્યારે મૂર્તિકાર , વેપારીઓ અને મજૂરોની પરિસ્થિતિ કપરી થવા પામી છે. આવનારી 8મી તારીખ એટલે કે દિવાસાના દિવસથી સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતા એવા દશામાંના તહેવારને છેલ્લા 2 વર્ષથી કોરોનાંનો બાધ લાગ્યો છે , બારડોલીના વૈજનાથ ખાતે છેલ્લા 10 વર્ષથી દશામાં અને ગણપતિની 50 હજાર જેટલી મૂર્તિઓ તૈયાર કરી પલસાણા, કામરેજ, સુરત, નવસારી, વ્યારા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં વેચાણ કરતા આવેલા વેપારીઓ કોરોનાંના પગલે છેલ્લા 2 વર્ષથી માંડ 2 હજાર મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે.
વૈજનાથ, વેપારી, યોગેશ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણેવૈજનાથ ખાતે લગભગ 30 જેટલા પરિવારો માત્ર મૂર્તિઓના વેપાર સાથે સંકળાયેલા છે , તો બીજી તરફ કોરોનાંની બીજી લહેર બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ વેપાર ધંધાઓમાં છૂટછાટ જાહેર કરવામાં આવી છે ત્યારે મૂર્તિકાર એસોસિએશને પણ સુરત કલેકટરને આવેદન આપી તેઓની તરફેણમાં જાહેરનામું બહાર પાડવા માંગ કરી છે .
દક્ષિણ ગુજરાતમા આદિવાસી સમાજમાં આસ્થાના પ્રતીક એવા દશામાંની સ્થાપના અમાસના દિવસે કરવામાં આવે છે અને 10 દિવસ મા દશામાંની પૂજા , અર્ચના અને ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. વાત કરીએ નાના વેપારીઓની તો કોરોના પહેલા જે વેપારીઓ 1 હજાર દશામાંની મૂર્તિઓનું વેચાણ કરતા હતા તેઓ હાલ માત્ર 100 કે 200 મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે તેઓ પણ સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે
કોરોનાંના પગલે દશામાં અને ગણપતિની દરવર્ષની સરખામણીએ છેલ્લા 2 વર્ષથી માત્ર 10 ટકા જેટલી જ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે વેપારીઓની સાથે મૂર્તિ બનાવતા કારીગરોની સ્થિતિ પણ દયનિય થઈ છે , 2 વર્ષ પહેલાં કારીગરોને 500 રૂપિયા રોજ આપી અને 5 મૂર્તિઓ તૈયાર કરવાનું રહેતું હતું જે હાલ 300 રૂપિયામાં 5 મૂર્તિઓ તૈયાર કરી વેપારીઓને આપે છે , ત્યારે આખું વર્ષ માત્ર મૂર્તિઓ બનાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા કારીગરો પણ તકલીફમાં મુકાયા છે. કોરોનાના કપરા કાળમાં તો કઈ કેટલા વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે ત્યારે પોતાની કલા થકી મૂર્તિઓ તૈયાર કરી વેચાણ કરતા વેપારીઓના આરે પણ સરકાર આવે તેવી માંગ સમગ્ર દક્ષિણ ગુજરાતના મૂર્તિકાર એસોસિએશનમાં ઉઠવા પામી છે .