આણંદ: કરોડો રૂપિયાના ખર્ચે બનશે લાંભવેલનું હનુમાન મંદિર, શિલા હનુમાનદાદાના જન્મસ્થળથી લવાઇ
રે આ મંદિર બનાવવા માટે હનુમાનજીના જન્મ સ્થળ એવા કર્ણાટક રાજ્યના હમ્પી જિલ્લામાંથી જે જગ્યાએ હનુમાનજીનો જન્મ થયો તે સ્થળના પહાડમાંથી બનાવવામાં આવેલી શીલા લઈ અને એક રથ કર્ણાટકથી ગુજરાત આવવા નીકળ્યો હતો.


ભરતસિંહ વાઢેર, વાપી : આણંદ જિલ્લાના લાંભવેલ ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે રામભક્ત હનુમાનજીનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે આ મંદિર બનાવવા માટે હનુમાનજીના જન્મ સ્થળ એવા કર્ણાટક રાજ્યના હમ્પી જિલ્લામાંથી જે જગ્યાએ હનુમાનજીનો જન્મ થયો તે સ્થળના પહાડમાંથી બનાવવામાં આવેલી શીલા લઈ અને એક રથ કર્ણાટકથી ગુજરાત આવવા નીકળ્યો હતો.


ત્યારે લાંભવેલમા બનનાર ભવ્ય હનુમાન મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાનાર શીલાને લઇ કર્ણાટકના હમ્પીથી આ શીલાને લઈ આવતો આ શીલા રથ આજે ગુજરાતમાં પ્રવેશ્યો હતો. જ્યાં વાપી નજીક આવેલા સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં આ શીલા રથનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ હનુમાનજીના મંદિરના નિર્માણ કાર્યમાં લેવાનાર પવિત્ર શીલાની પૂજા અર્ચના કરી હતી. અને તેના શ્રધ્ધા ભાવથી દર્શન કર્યા હતા.


મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ શીલાનું પૂજન કરી અને આ શીલા રથને કર્ણાટકથી રવાના કર્યો હતો. જે આજે ગુજરાતમાં પ્રવેશ્યો છે અને ગુજરાતમાં પ્રવેશતા જ વાપીમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


શીલાનું પૂજન કરી સાધુ સંતો સાથે ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. પૂજા આરતી અને દર્શન કર્યા બાદ આ શીલા રથને વાપીથી વિદાય આપવામાં આવી હતી.