ભરતસિંહ વાઢેર,વલસાડ: જિલ્લાના ભીલાડ (Accident near Bhilad) નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત (triple accident on Ahmedabad Mumbai National highway) સર્જાયો છે. તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશભાઈ ધોડી અને તેમના પત્નીનું પણ ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના ભીલાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક એક કન્ટેનર પૂર ઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે હંકારી અને એક ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પોને ટક્કર વાગતાં જ ટેમ્પો હાઇવેની અન્ય સાઈડમાં ફંગોળાયો હતો. આથી ટેમ્પો હાઇવે પસાર થતી એક લક્ઝરી સાથે અથડાયો હતો. જેથી આ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મૃતક મુકેશભાઈ ધોડી ઉમરગામ તાલુકા પંચાયતના ફણસા બેઠકના તાલુકા પંચાયતના સભ્ય હતા. આમ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય અને તેમના પત્ની સાથે અન્ય એક વ્યક્તિનું આ ઘટનામાં કરૂણ મોત નીપજયું હતું. આથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. મૃતક મુકેશભાઈ ધોડી તાલુકા પંચાયતના સભ્ય હોવાની સાથે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પણ ચલાવતા હતા. આથી મોડી રાત્રે તેઓ પોતાના મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાના સામાન અને માણસોને ટેમ્પોમાં લઈ અને પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. (મૃતક પતિ પત્નીની ફાઇલ તસવીર)
આ દરમિયાન ભીલાડ ફાટક નજીક હાઇવે પર આ ઘટના સર્જાઈ હતી અને ઘટના સ્થળ પર જ તેમનું કરૂણ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, કન્ટેનર ચાલક અકસ્માત સર્જયા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આથી ભીલાડ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવવા સહિત ફરાર થયેલા ટેમ્પો ચાલકને પણ ઝડપવા માટે તપાસ તેજ કરી છે. આ ઘટનામાં ઘટનાસ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે લક્ઝરી અને ટેમ્પોમાં સવાર ચારથી વધુ લોકોને ઈજા થઈ હતી.