ભરતસિંહ વાઢેર, વલસાડ : 11 વર્ષ પહેલાં નોકરી વાંચ્છુઓને લાખો રૂપિયાના પગારે વિદેશમાં નોકરી (Job)અપાવવાની લાલચ આપી અને જરૂરિયાતમંદો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી ફરાર થઈ ગયેલો આરોપી (Accused)આખરે 11 વર્ષ બાદ પોલીસના (Police)હાથે ઝડપાયો છે. સતત 11 વર્ષ સુધી આરોપી મહંમદ સલીમ પોલીસની પકડથી બચતો ફરતો હતો. પરંતુ આરોપીની પત્નીનું અવસાન થતા પત્નીની અંતિમ ક્રિયા માટે ઘરે આવતા પોલીસે 11 વર્ષ બાદ આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે.
બનાવની વિગત મુજબ વલસાડ (Valsad)શહેરમાં મહંમદ સલીમ યુસુફ સેખ નામના આરોપીએ તેના બે પુત્રો ઇમરાન સલીમ શેખ અને ઈરફાન શેખની સાથે મળી અને મારિયા કન્સલ્ટન્સી નામની એક એજન્સી શરૂ કરી હતી. આ એજન્સીમાં નોકરી વાંચ્છુઓને સિંગાપોર, મલેશિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી અને તમામ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી. દસ વર્ષ અગાઉ આરોપી મહંમદ શેખ અને તેના પુત્રોની લોભામણી લાલચથી લલચાઈ કેટલાક નોકરીવાંચ્છુઓએ બે-બે લાખ રૂપિયાથી વધારેની ફી આ પિતા પુત્રોની જોડીને ચૂકવી હતી.
વર્ષ 2010માં આરોપી અને તેના બંને પુત્રોએ મળી 19 થી વધુ યુવકોને ગાઇડ સાથે વિદેશ મોકલ્યા હતા. પરંતુ ત્યાં બે-ત્રણ દિવસ રાખ્યા બાદ ફરી તેઓને નોકરી અપાવ્યા વિના ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોઈપણ પ્રકારની નોકરી નહીં અપાવી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આથી છેતરાયેલા લોકોએ આરોપી મહંમદ સલીમ શેખ અને તેના બે પુત્રો વિરૂધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 20/4/ 2010ના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થતાં જ જે તે વખતે પોલીસે ઈરફાન સલીમ શેખ નામના પુત્રને દબોચી લીધો હતો. પરંતુ અન્ય એક પુત્ર અને મુખ્ય ભેજાબાજ પિતા મહંમદ સલીમ યુસુફ શેખ વલસાડમાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારથી અત્યાર સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.
સતત 11 વર્ષ સુધી આરોપીઓ પોલીસને ચકમો આપી રહ્યા હતા. આરોપી મહંમદ સલીમ શેખની પત્નીનું અવસાન થતા આરોપી મહંમદ સલીમ પત્નીની અંતિમ ક્રિયા માટે વલસાડ પોતાના ઘરે આવ્યો હતો. જેની વલસાડ સિટી પોલીસને જાણ થતાં સિટી પોલીસે 11 વર્ષથી નાસતા ફરતા મહંમદ સલીમ શેખ નામના આરોપીને તેના ઘરથી દબોચી લીધો હતો. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશમાં નોકરી અપાવવાના લાલચ આપી અને અનેક યુવકો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી અને ફરાર થઈ ગયેલો મહંમદ સલીમ શેખ આખરે 11 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાઇ જતા અગિયાર વર્ષ અગાઉ જે યુવકોએ પોતાના પરસેવાની કમાણી આ પિતા-પુત્રોની જોડીને આપી હતી. તેવા લોકોને ફરી એક વખત પોતાની પરસેવાની કમાણી પરત મળવાની આશા જાગી છે.
આખી જે લોકો મહંમદ સલીમ શેખ અને તેના પુત્રોની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમણે ફરી એક વખત વલસાડ સિટી પોલીસ સ્ટેશન તેમની આપવીતી જણાવી હતી. 11 વર્ષ અગાઉ વિદેશમાં મોટી કમાણીની લાલચે ઊંચા વ્યાજથી પણ પૈસા લાવી અને મહંમદ સલીમ શેખ અને તેના પુત્રોને ચૂકવ્યા હતા પરંતુ તેઓને નોકરી પણ ન મળી અને રૂપિયા પણ ખોવાનો વારો આવ્યો હતો. આખરે 11 વર્ષ બાદ ભેજાબાજ પોલીસના હાથે ચડી જતા તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.