

ભરતસિંહ વાઢેર, વલસાડ : પરિવારમાં પોતાના સગપણની વાત શરૂ થતાં જ ધોરણ-12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં બનેલી આ કરૂણ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાકભાજી વેચવાનો ધંધો કરતાં ઉદયભાણ યાદવ નામના એક શાકભાજી વિક્રેતાની 20 વર્ષની દીકરી પિંકી યાદવ વલસાડ શહેરની એક સરકારી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. આ દીકરી માટે પરિવારે મુરતિયો જોવાની શરૂઆત કરી હતી અને તેના સગપણ માટે એક છોકરાના પરિવારજનો ઘરે જોવા આવવાના હતા. આમ પરિવારમાં તેનાં સગપણની વાત શરૂ થતાં જ યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


મૃતક પિંકી ઉદયભાણ યાદવ આજે ઘરે એકલી જ હતી. પરિવારના અન્ય સભ્યો કામ-ધંધે બહાર ગયા હતા. તેની બહેન પણ શાળાએ અભ્યાસ કરવા ગઈ હતી. બહેન શાળાએથી ઘરે પરત ફરતા ઘર અંદરથી બંધ હતું. આથી આસપાસના પડોશીઓ સાથે મળીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ અજુગતું થયું હોવાની જ આશંકાએ પોલીસને જાણ કરી હતી અને ઘરનો દરવાજો ખોલતા જ અંદર રૂમમાં ધોરણ 12માં અભ્યાસ કરતી પિંકી યાદવએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.