યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધને અટકાવવાના દુનિયાના દેશો દ્વારા અઢળક પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ યુદ્ધને અટકાવવામાં સફળતા મળી રહી નથી. આવામાં યુદ્ધની અસર ભારત સહિત દુનિયાના દેશોના વેપાર પર થઈ રહી છે. આ બધાની વચ્ચે યુદ્ધના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને એક વાતનો ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદા સાથે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેની પાછળ એક ખાસ કારણ છૂપાયેલું છે.
આવામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને આ યુદ્ધ જાણે ફળી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે યુદ્ધના કારણે ઘઉંના ભાવ પણ ઉચકાયા છે. યુક્રેનમાં ઘઉંનો પાક ઓછો થયો છે જેના કારણે ભારતના ઘઉંની રાતોરાત માંગ વધી છે અને તેના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જેનો ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને થઈ રહ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં ખેડૂતોને ઘઉંમાં ઊંચા ભાવ મળી રહ્યા છે.
આ વિશે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન, જયેશ બોઘરાએ જણાવ્યું છે કે, યુક્રેન અને રશિયા મોટા પ્રમાણમાં ઘઉંની ખેતી કરતા હોય છે, પરંતુ આ બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે ભારતના ઘઉંની માંગમાં વધારો થયો છે. જેથી ખેડૂતોને ઘઉંનો સારો ભાવ મળી રહ્યો છે. આમ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘઉંની ખેતી કરનારા ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે.
એક સમય એવો હતો કે ભારતે ઘઉં માટે અમેરિકા જેવા દેશો પર આધાર રાખવો પડતો હતો પરંતુ સમયની સાથે દેશના ખેડૂતો પ્રગતિ કરી રહ્યા છે અને ભારતના ઘઉંને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વર્ષે 1.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. પાછલા વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં 12 ટકાનો વધારો થયો છે.
વિદેશ નીતિના જાણકાર જગદીશ મહેતા જણાવે છે કે, "યુદ્ધના કારણે એ દેશો ઘઉંનું એટલું ઉત્પાદન કરી શક્યા નથી, જેની સામે ભારતમાં વાવણી વધુ થઈ છે" આમ થવાથી તેનો સીધો લાભ ઘઉં પકવનારા ખેડૂતોને થઈ રહ્યો છે. વર્ષ 2022માં ભારતે 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ભારતમાંથી સૌથી વધુ બાંગ્લાદેશ, નેપાળ, UAE, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ઘઉંની નિકાસ કરે છે. આવામાં યુક્રેનના યુદ્ધના કારણે ત્યાંથી ઘઉંની આયાત કરનારા દેશો ભારત પર મીટ માંડીને બેઠા છે.